નખત્રાણાની પાવરપટ્ટીમાં દીપડાનો કહેર: એક જ મહિનામાં 17 પશુઓનું મારણ કરતા ફફડાટ

ભુજઃ કચ્છમાં ચરિયાણની જમીનના અભાવે લાચાર માલધારીઓ તેમના પશુધનને ચરાવવા માટે નિર્જન સીમાડાઓ તરફ વળ્યા છે એ વચ્ચે સરહદી કચ્છના નખત્રાણા પંથકના પાવરપટ્ટીના પાલનપુર-બાડી ગામના સીમ વિસ્તારમાં પાછલા કેટલાક સમયથી ઘુસી આવેલા હિંસક પશુ દીપડાઓ દ્વારા નાના-મોટાં પશુઓનું મારણ કરાતું હોવાથી ભયભીત માલધારીઓ દ્વારા વળતર ચૂકવવા ઉપરાંત આ લોહી તરસ્યા રાની પશુને તાત્કાલિક પીંજરે પૂરવાની માગ કરાઇ રહી છે.
આ અંગે માલધારી સુરૂભા હરિસિંહ સોઢા અને ગુલાબસિંહ જાડેજાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ડુંગરાળ વિસ્તારથી ઘેરાયેલા પાલનપુર-બાડી ગામના સીમાડામાં ઘુસી આવેલા એક કરતાં વધારે ખૂંખાર દીપડાએ વીતેલા માત્ર એકાદ મહિનામાં ૧૨ ઘેટાં અને પાંચ ભેંસો પર ઘાતક હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દેતાં માલધારી વર્ગમાં ભારે ચિંતા ફેલાઇ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ ગોવિંદ ખમુ મહેશ્વરીના ૧૨ જેટલાંને દીપડાએ ફાડી ખાતાં માલધારીને મોટી આર્થિક નુકસાની ભોગવવી પડી છે.
યુવા માલધારી સુરૂભા સોઢાની એક, મુતવા લખાની એક, ગુલાબસિંહ જાડેજાની બે અને નોડે અભરામની એક લાખેણી ભેંસ દીપડાનો શિકાર બની ચૂકી છે. નખત્રાણા પંથકના આ ડુંગરાળ પંથકમાં તળાવ આસપાસ નર-માદા દીપડાએ તેમના એક બચ્ચાં(શાવક) સાથે ધામા નાખ્યા છે. ચરિયાણ માટે આવતાં દુધાળાં પશુઓ પર માલધારીની હાજરી વચ્ચે હુમલો કર્યા પછી માલધારી તેને છોડાવવા પ્રયત્ન કરવા જતાં માલધારી ઉપર પણ હુમલો કરવાની કોશિશ કરી હતી, જોકે સદ્ભાગ્યે તેઓનો બચાવ થયો હતો.
લોહી તરસ્યા દીપડાના પરિવારના સતત વધી રહેલા આતંકના કારણે માલધારીઓ ભારે પરેશાન બન્યા છે. અબોલા જીવોને બચાવવા વહેલી તકે વન વિભાગ આ પંથકમાં વિચરી રહેલા દીપડાને પકડવા માટે જરૂરી કાર્યવાહી કરીને ભોગ બનનાર તમામ પશુઓના માલધારીઓને યોગ્ય વળતર મળવું જોઈએ તેમ પશુપાલક અસ્પાક મુતવાએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સતત વધી રહેલી માનવ વસ્તીથી સામાન્ય રીતે આવા જંગલી પશુઓ અંતર બનાવી રાખે છે, પણ તાજેતરના સમયમાં તેમના કુદરતી આવાસોની સંખ્યા ઘટી જતાં તેઓ માનવ વસાહતોમાં શિકાર માટે ઘુસી આવે છે. ત્રણેક વર્ષ પૂર્વે બે અલગ-અલગ હુમલામાં દીપડાએ છ જેટલા ઊંટનું મારણ કર્યું હતું, આ ઉપરાંત થોડા વર્ષો અગાઉ ભુજની ભાગોળે આવેલા એરફોર્સ સ્ટેશનમાં તેમજ ભુજના હરીપર પાસે આવેલાં જાણીતાં પર્યટન સ્થળ ટપકેશ્વરી મંદિર આસપાસના ગિરીમાળાઓમાં પણ દીપડો ઘુસી આવ્યો હતો.
(ઉત્સવ વૈદ્ય)



