કચ્છી યુવાને વિશ્વની ત્રીજા નંબરની ઊંચી માઉન્ટ કંચનજંગા પર્વતમાળાને સર કરી ઐતિહાસિક સિદ્ધિ મેળવી

ભુજઃ અડગ નિશ્ચય સાથે મનુષ્ય કોઈ પણ અશક્ય લાગતું કાર્ય હાથ પર લે તો તેમાં જ્વલંત સફળતા મળે છે એ વડીલો દ્વારા કહેવામાં આવતી વાતને કેવલ નીલમ હિરેન કક્કા નામના કચ્છી યુવાને સાર્થક કરી બતાવી છે.
કેવલે ભારતની સર્વોચ્ચ અને વિશ્વની ત્રીજા નંબરની સૌથી ઊંચી પર્વતમાળા માઉન્ટ કંચનજંગા સર કરીને એક ઐતિહાસિક સફળતા મેળવી છે. ૮૦૦૦ મીટરથી ઉપરના આઠ શિખરો સર કરનાર એક માત્ર કચ્છી અને મહારાષ્ટ્રના વ્યક્તિ બનવાનું માન તેણે મેળવ્યું છે, તો આવી સિદ્ધિ મેળવનાર કેવલ ત્રીજો ભારતીય પણ બન્યો છે.
આપણ વાંચો: માઉન્ટ એવરેસ્ટનું બે વાર આરોહણ કરનાર પ્રથમ મહિલા સંતોષ યાદવ
કેવલે ગત ૧૮મી મેના રવિવારના દિવસે નેપાળના સમય મુજબ સવારે ૧૧:૩૦ કલાકે માઉન્ટ કંચનજંગા સર કરી ભારતનો રાષ્ટ્રધ્વજ ટોચ પર ફરકાવ્યો હતો. કેવલે આ પૂર્વે ૮૦૦૦ મીટરથી ઉપરના સાત શિખરો માઇન્સ ટેમ્પરેચર અને વેગીલા વાયરાઓ વચ્ચે સર કરીને પર્વતની ટોચ પર ભારતની આન-બાન અને શાન સમો તિરંગો ફરકાવ્યો હતો.