કમોસમી વરસાદની ઠંડકમાંથી બહાર નીકળતા જ કચ્છ તપ્યુ…

ભુજઃ ચૈત્ર મહિનાના પ્રારંભને હવે જયારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેમજ અરબી સમુદ્રમાં હળવા દબાણો સર્જાવવાનું શરૂ થઇ ચૂક્યું છે એ વચ્ચે કચ્છ સહીત રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદે વિરામ લેતાં ફરી પાછી કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઇ ચુકી છે.
આ પણ વાંચો..ટ્રેન ઓન ડિમાન્ડ: આગામી શુક્રવારથી ભુજ-રાજકોટ-ભુજ વચ્ચે દૈનિક સ્પેશિયલ ટ્રેન થશે જરૂર
રણપ્રદેશ કચ્છમાં બળબળતા તાપે આક્રમણ શરૂ કરી દેતાં જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે. કચ્છના મોટાભાગના મથકોમાં મહત્તમ તાપમાનનો આંક ૪૦ ડિગ્રીને વટાવી ગયો છે અને આજે ૪૦ ડિગ્રી સે. મહત્તમ તાપમાન સાથે ભુજ શહેરે રાજ્યના સૌથી ગરમ મથકોમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. કંડલા(એરપોર્ટ) ખાતે પણ ઉષ્ણતામાનનો પારો ૩૭ ડિગ્રીએ પહોંચતાં અંજાર-ગાંધીધામ વિસ્તાર પણ તાપમાં શેકાયા હતા.
આ ઉપરાંત અબડાસા તાલુકાના મુખ્યમથક નલિયામાં ૩૮ ડિગ્રી સે. તાપમાન સાથે ગરમીમાં આંશિક રાહત અનુભવવા મળી હતી. લઘુતમ પારો પણ ઊંચકાઈને ૨૪થી ૨૬ ડિગ્રીએ પહોંચી જતાં સૂર્યાસ્ત બાદ ઉકળાટથી જનજીવન હાલ અકળાઈ રહ્યું છે.
દરમ્યાન, આકરા ઉનાળાની શરૂઆત સાથે જ રણપ્રદેશ કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે. ખાસ કરીને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા ગામોમાં અત્યારથી જ પાણીની પરાયણ સર્જાતા ગામના લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. કચ્છનો ખાવડા અને ભાતીગળ બન્ની વિસ્તારનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. અહીં ઉનાળામાં ઘાસ અને પાણીની સમસ્યા કારણે માલધારીઓને હિજરત કરવાની નોબત આવવાની ભીતિ સેવાઈ રહી છે. આગામી દિવસોમાં પાણીની સમસ્યા વિકટ બને તેવું જુદા જુદા ડેમ-તળાવોની જળસપાટીને જોઈને અત્યારથી જ લાગી રહ્યું છે.
આ પણ વાંચો..કચ્છમાં બનેલી ખગોળીય ઘટનાથી સર્જાયું કુતુહલ: લોકો બ્રહ્નમુહુર્તે જાગ્યા…
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં આગામી સપ્તાહ દરમ્યાન મહત્તમ પારો ૪૦થી ૪૩ ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે.