ભુજ

માવઠાની વકી વચ્ચે કચ્છને કડકડતી ઠંડીમાંથી નોંધપાત્ર રાહત મળી

ભુજ: ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીની પક્કડ ઓછી થતી જાય છે. સૌથી ઠંડાગાર એવા નલિયામાં તાપમાનનો પારો 5 ડિગ્રી પણ ગયો છે ત્યારે હાલમાં અહીં પણ ઠંડીનું પ્રમાણ ઘટ્યું અને સમગ્ર કચ્છ કડકડતી ઠંડીથી થોડી રાહત અનુભવ રહ્યું છે.

સરહદી કચ્છને ધ્રુજાવતી ઠંડીના પ્રમાણમાં ઉતાર-ચઢાવ યથાવત રહ્યો છે અને મહત્તમ અને લઘુતમ ઉષ્ણતામાનનો આંક ત્રણથી ચાર ડિગ્રી જેટલો ઉપર આવતાં ઠારમાં નોંધપાત્ર ઘટાડો થતાં જનજીવન થાળે પડી રહ્યું છે. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં ત્રણ-ચાર દિવસ અગાઉ નોંધાયેલા ૬.૪ ડિગ્રી તાપમાન સામે આજે ૧૦ ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન, જયારે ૨૯ ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન નોંધાતાં તીવ્ર ટાઢોળાને કારણે અસરગ્રસ્ત થઇ ગયેલા જનજીવને રાહત અનુભવી છે.

આપણ વાંચો: ફેશન પ્લસ: ઠંડીના દિવસોમાં પણ સ્ટાઇલ મેં રહેને કા…!

નલિયા સિવાયના અન્ય મથકોમાં પણ આજે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેમાં જિલ્લાના મુખ્ય મથક ભુજમાં આજે લઘુત્તમ ૧૩.૪ ડીગ્રી, અને મહત્તમ તાપમાનનો આંક ૩૦.૧ ડિગ્રી સેલ્સિયસ જેટલો ઊંચો નોંધાતા શહેરીજનોએ રાહતનો દમ લીધો છે. મહાબંદર કંડલામાં લઘુતમ તાપમાનનો આંક ૧૬ ડિગ્રી સે.પર પહોંચી જતાં સમગ્ર કંડલા-ગાંધીધામ સંકુલ જાણે ગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યું છે.

વહેલી સવારે અને સાંજ ઢળ્યા પછી હવામાં ભેજનું પ્રમાણ ઘટી જતાં ગ્રામીણ કચ્છમાં શહેરો કરતાં થોડી વધારે ઠંડી રહેતાં ગ્રામજનો ઠેર-ઠેર તાપણાં સભાઓ યોજીને ઠંડીથી બચવાના પ્રયાસો કરતા નજરે પડી રહ્યા હતા.

દરમિયાન, હવામાન વિભાગે વ્યક્ત કરેલા પૂર્વાનુમાન મુજબ કચ્છમાં આજથી ન્યૂનતમ પારો બેથી ચાર ડિગ્રી જેટલો ઊંચકાવાની સાથે મહત્તમ તાપમાન પણ ઊંચું આવશે, જો કે, શીતમથક નલિયામા હજુ પણ ઠંડીનું સામ્રાજ્ય થોડા દિવસો માટે જારી રહેશે તેવી શક્યતા વ્યક્ત કરાઇ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button