ધોરડોથી સફેદ રણના વોચ ટાવર સુધી પહોંચવું બનશે સરળ, 80 કરોડના ખર્ચે બનશે ગ્રીન ફિલ્ડ એલાઇમેન્ટ રોડ
નવા રસ્તાની ફરતે મીઠાંનાં રણ જેવું પ્રાકૃતિક તળાવ બનાવાનું પણ આયોજન
ભુજઃ કચ્છના સફેદ રણની મુલાકાતે જતાં પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. ધોરડો ગામ અને શ્વેત રણમાં દર વર્ષે યોજાતા રણોત્સવનો મર્યાદીત સમયને બદલે બારે માસ પર્યટકો લુત્ફ ઉઠાવી શકે તે માટે ગોરેવલીથી સીધા સફેદ રણના વોચ ટાવર સુધી ૧૨ કિલોમીટરનો ૮૦ કરોડના ખર્ચે નવો રસ્તો બનાવવાની દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવી છે.
હાલ ચાલી રહેલા રણોત્સવમાં વાહનોની સંખ્યામાં ખૂબ જ વધારો થતો હોવાથી અત્યારે ધોરડો ગામ પાસેથી ટેન્ટ સિટી અને શ્વેત રણ, વોચ ટાવર સુધી ટ્રાફિક જામની ગંભીર સમસ્યા ઊભી થતી હોય છે. જેને નિવારવા માટે ઘડુલી-સાંતલપુરના રસ્તાને જોડી શકાય એ રીતે વન-વે પ્રકારના અંદાજે ૮૦ કરોડની લાગતથી ‘ગ્રીન ફિલ્ડ એલાઇન્મેન્ટ’ રસ્તો બને તે માટે રાજ્ય માર્ગ-મકાન વિભાગે આયોજન કર્યંગ છે. જેની દરખાસ્ત આ વિભાગના ઉપસચિવને મોકલવામાં આવી છે.
આર. એન્ડ બી.ના નાયબ ઇજનેર ચિરાગ ડુડિયાએ આ નવા પ્રકલ્પ અંગે વાત કરતાં જણાવ્યું કે, કલેક્ટર અને ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઇ પટેલની ભલામણથી આ નવા રસ્તાનું આયોજન કરાયું છે. ૧૦ મીટરનો ૧૨ કિ.મી.નો નવો રસ્તો ગોરેવલી ગામથી સીધો વોચ ટાવર સુધી પહોંચશે, જૂનો અને નવો રોડ બની જવાથી એક બાજુથી આવવા અને બીજી બાજુથી જવાની વાહનો માટેની વ્યવસ્થા હશે.
આપણ વાંચો: કચ્છના સફેદ રણની મુલાકાતે જતા હો તો પહેલા વાંચી લો આ મહત્ત્વના સમાચાર નહીં તો પસ્તાસો
પ્રવાસન ક્ષેત્રે આ મોટો ફાયદો થવાનો હોવાથી નકશા-પ્લાન વગેરે તૈયાર કરવામાં આવ્યા છે, એમ જણાવીને ડુડિયાએ વધુમાં કહ્યું હતું કે, ચોમાસા દરમ્યાન સરોવરની જેમ રણમાં પાણી ભરાતાં હોવાથી માટી અને મેટલ કામ ઊંચાઇ માટે મોટું કામ કરવાનું થશે. વળી જે રૂા. ૮૦ કરોડનો ખર્ચ થવાનો છે, એ રકમ પણ વિભાગ પાસે અત્યારે બચત પડેલી છે.
કેમ કે, ભીરંડિયારા, હોડકો, ધોરડો સુધીના ૩૧ કિ.મીના રસ્તા માટે ફાળવવામાં આવેલી રૂા.૧૨૫ કરોડની રકમમાંથી રૂા. ૩૭ કરોડ વપરાયા હોવાથી અત્યારે ૮૦ કરોડથી વધુ રકમ બચતમાં પડી છે.
દર વર્ષે આવે છે 6 લાખ પ્રવાસીઓ
ધોરડોના ચાર-પાંચ મહિના માટે ચાલતા રણોત્સવમાં મ્હાલવા માટે દર વર્ષે પાંચથી છ લાખ પ્રવાસીઓ શ્વેત રણને નિહાળવા આવે છે. ઉપરાંત દર વર્ષે વી.આઇ.પી. વ્યક્તિઓનું આગમન થતું હોવાથી એક જ હયાત રસ્તામાં ટ્રાફિકની સમસ્યા થાય છે, જે નિવારવી અત્યંત જરૂરી છે. અને હવે બી.એસ.એફ.ચોકીથી વોચ ટાવર સુધી ખાનગી વાહનોની અવર-જવર બંધ કરવામાં આવી છે અને ભવિષ્યમાં ધોરડોને પર્યટન નગરી બનાવવાની દિશામાં લેવાઇ રહેલા નિર્ણય પૈકી આ રોડનું આયોજન હાથ ધરવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આપણ વાંચો: ધોરડોના સફેદ રણમાં પતંગોત્સવનો પ્રારંભ: ૧૨ દેશના પતંગબાજો જોડાયા
ભાતીગળ ધોરડોના ખારા પાટમાં રણનું ખારું પાણી જામી જતાં સફેદ મીઠું આકાર લે છે, ત્યારે આ શ્વેત રણ નિહાળવા લાખો પ્રવાસીઓ આવે છે. પરંતુ માર્ગ-મકાન વિભાગ દ્વારા હવે વધારાના રૂા. ૮૦ કરોડના ખર્ચે નવા રસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રસ્તેથી કાયમી ધોરણે સફેદ રણ દેખાય તેવી વ્યવસ્થા પણ આ દરખાસ્તમાં સૂચવવામાં આવી હોવાનું નાયબ ઇજનેર ચિરાગ ડુડિયાએ જણાવ્યું હતું. વોચ ટાવરથી પહેલાં શ્વેત રણનો પેચ બને તો પ્રવાસીઓ કાયમી ધોરણે આવી શકે એ માટે આ પ્રકલ્પમાં ગ્રીન ફિલ્ડ એલાઇન્મેન્ટના રસ્તા વચ્ચે ૧.૨ ચોરસ કિ.મી. વિસ્તારમાં મીઠાંનું પ્રાકૃતિક તળાવ બનાવવાની કામગીરી કરવામાં આવશે. જેથી પ્રવાસીઓ શ્વેત રણનો નજારો બારે માસ માણી શકાશે.