કચ્છના મધ્યમ સિંચાઈ યોજનાના ડેમો 85 ટકા ભરાયા, ગત વર્ષ કરતા સાત ટકા ઓછો જળસંગ્રહ

ભુજ: મેઘતૃષ્ણાના મુલક કચ્છમાં વરસેલા વરસાદ બાદ આ રણપ્રદેશના મધ્યમ સિંચાઈ યોજનાના ડેમોમાં જળસંગ્રહ 85 ટકાએ પહોંચ્યો છે. પરંતુ ગત વર્ષની તુલનાએ સાત ટકા ઓછો જળસંગ્રહ થયો છે. મધ્યમ સિંચાઈ યોજનાના 20 પૈકી 13 ડેમ ઓવરફ્લો થયા છે, જ્યારે બાકીના સાત ડેમમાં 50 ટકાથી લઈ 90 ટકા જેટલો જળસંગ્રહ થયેલો છે. મધ્યમ સિંચાઈ યોજનાના ડેમોની કુલ જળસંગ્રહ શક્તિ 325.26 મિલિયન ક્યુબિક મીટર છે. તેની સામે અત્યાર સુધી 277.22 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત થયેલો છે.
કચ્છમાં 20 પૈકી 13 ડેમ ઓવરફ્લો થયા
વર્તમાનમાં 13 ડેમ ઓવરફ્લો થવા સાથે ચાર ડેમમાં 70 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. વર્ષ 2024માં કચ્છમાં 180 ટકા જેટલો ભારે વરસાદ થતાં આ ભાતીગળ જિલ્લામાં 284 મિલિયન ક્યુબિક મીટર જળસંગ્રહ થયો હતો. જે કુલ જળસંગ્રહ ક્ષમતાના 90 ટકા હતો. તેની તુલનાએ આ વર્ષે સાત ટકા ઓછો જળસંગ્રહ થયો છે. જે ખરેખર ચિંતાનો વિષય છે. કચ્છના સૌથી મોટા એવા રુદ્રમાતા ડેમમાં અત્યાર સુધી 60 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
છેલ્લાં સાત વર્ષથી આ ડેમ ઓવરફ્લો થયો નથી
કચ્છ જિલ્લામાં છેલ્લાં સાત વર્ષથી સતત સારો વરસાદ વરસતો હોવા છતાં આ ડેમ ઓવરફ્લો થયો નથી. આ દરમિયાન કચ્છમાં પાછોતરો સાર્વત્રિક વરસાદ વરસતાં શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને પિયતની ચિંતા મહદંશે ટળી ગઈ છે, જો વાતાવરણીય પરિબળ સાનુકૂળ રહેશે તો વિક્રમી ઉત્પાદન થવાની ધારણા સેવાઈ રહી છે. પરંતુ ડેમાં પાણીના આવકમાં ઘટાડો થતાં ખેડૂતોને ચિંતા સતાવી રહી છે.
આપણ વાંચો: કચ્છનું ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું, પીએમ નરેન્દ્ર મોદી કરશે લોકાર્પણ