ભુજ

કચ્છની ગરમી તો કાળઝાળ, પણ શાકભાજીના ભાવ નિયંત્રણમાં રહેતા ગૃહિણીઓ મોજમાં

ભુજઃ ફુલગુલાબી શિયાળો શરૂ થાય એટલે તરત જ માર્કેટમાં લીલા શાકભાજી આવે અને સસ્તા પણ હોય એટલે ગૃહિણીઓને રાહત હોય, પરંતુ ઉનાળામાં સામાન્ય રીતે શાકભાજી મોંઘા થતા હોય છે અને જોઈતી વસ્તુઓ મળતી પણ નથી ત્યારે આ વર્ષે એમ ન બનતા શાકભાજી મળી રહ્યા છે અને ભાવ પણ નિયંત્રણમાં છે.

આનું કારણ સવારે પડી રહેલી ઝાકળ માનવામાં આવે છે. હાલ કચ્છમાં વહેલી સવારે પડતી ઝાકળવર્ષાને લીધે ઉત્પાદનમાં આવેલો નોંધપાત્ર વધારો તેમજ રાજ્યના અન્ય મથકોએથી પણ પુષ્કળ પ્રમાણમાં શાક-બકાલું આવતું હોવાથી હાલ અસમાની સુલતાન જેવા શાકભાજીના ભાવો ગગડી જતાં અસહ્ય મોંઘવારી વચ્ચે ઘરના બજેટને સાચવનારી ગૃહિણીઓને મોટી રાહત થઇ છે.

આપણ વાંચો: શાકભાજીના ભાવ ઘટતા ગૃહિણીઓને રાહત

આમ પણ લગભગ દરેકના ઘરમાં આજે શાક શેનું બનાવશું? એ માથાના દુ:ખાવારૂપ પ્રશ્ન આવતો હોય છે કારણ કે ઉનાળો આવે એટલે શાકભાજીના ભાવો આસમાને પહોંચી જતા હોય છે, પરંતુ હાલ કચ્છમાં વહેલી સવારે માર્ગો ભીના કરી દેતી ઝાકળવર્ષની દૈનિક હાજરીથી શાકભાજીના ઉત્પાદનમાં વધારો આવ્યો છે, વળી અમદાવાદ, રાજકોટ, પાલનપુર, ડીસા જેવા જિલ્લામાંથી આવતા શાકભાજીની આવકોનું પ્રમાણ પણ અત્યંત વધી જવાથી શાકભાજીના ભાવોમાં ઘટાડો થઈ જતાં સ્થાનિકોને ઉનાળામાં સસ્તા ભાવે શાકભાજીનો લાભ મળી રહ્યો છે.

આ અંગે ભુજના પ્રમુખસ્વામી નગરમાં શાક-બકાલાનુ વેચાણ કરતા મનોજ બાવાજીએ જણાવ્યું હતું કે, ગ્રીષ્મ ઋતુ દરમ્યાન ભીંડા, ચોરી, ગુવાર, તુરિયા, દુધી, ટીંડોળા, મરચાં જેવા લીલા શાકભાજી ૩૦થી ૮૦ રૂપિયે કિલોના ભાવે વેચાતા હોય છે, તેની સામે અત્યાતે આ શાકભાજી રૂા. ૫થી ૪૦-૪૫ના ભાવે મળી રહ્યા છે.

આપણ વાંચો: Gujarat માં શાકભાજીના ભાવ વધારાએ ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું

મનોજભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ઉનાળા દરમ્યાન સામાન્ય રીતે ૮૦થી ૧૦૦ રૂપિયે કિલો વેંચતા ટમેટા પણ આ વખતે થયેલા વધુ પડતાં ઉત્પાદનના પ્રતાપે ૧૨થી ૧૫ રૂપિયે કિલો, અને તીખા-મોળા મરચાં ૩૫થી ૪૦ના બદલે ૨૦થી ૨૫, બોમ્બે મિર્ચ એટલે કે ઝીણા મરચાં ૩૦થી ૪૦, સિમલા મિર્ચ એક નંગના ૫થી ૧૦ રૂપિયા, રિંગણા ૩થી ૪, કોબી ૩થી ૪, ફુલાવર ૨૦, વટાણા ૫૦થી ૬૦, કોથમીર(ધાણાભાજી) ૧૫, દેશી કાકડી ૧૦થી ૨૦ના જથ્થાબંધ ભાવે વેચાઈ રહ્યા છે, શાકની જથ્થાબંધ બજારમાં એક દિવસ તેજી દેખાય તો જથ્થાબંધ વેપારીઓ વધુ માલ મગાવી લેતા હોય છે, જેના કારણે માલનો ભરાવો થઈ જાય તો ભાવો ઘટી જતા હોય છે. વળી બજારમાં કેરીની આવક શરૂ થઈ ગઈ હોવાથી લોકો શાકભાજીનો ઉપયોગ ઓછો કરતા હોવાથી ખપત પણ ઘટી જતી હોય છે જેની અસર આખરે તેના ભાવો પર પડે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button