હવે કચ્છ-ભુજના વેપારીઓએ કર્યો નિર્ધારઃ પ્રવાસન સાથે વેપાર પણ બંધ આ બે દેશ સાથે

ભુજઃ ભારત પર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા થતા રહેતા આતંકી હુમલાનો જવાબ આપવા માટે, ભારતે શરૂ કરેલા ઓપરેશન સિંદૂર દરમ્યાન નાપાક પાકિસ્તાનની પડખે ઉભેલા તુર્કી-ચીન-અજરબેઝાનનો ભારતના જાગૃત નાગરિકો દ્વારા છેડવામાં આવેલી બોયકોટ મુહિમમાં સીમાવર્તી કચ્છના ટૂર ઑપરેટર્સ બાદ હવે કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ભુજ દ્વારા તુર્કી અને અજરબૈજાન દેશ સાથે વેપાર અને પ્રવાસનનો સંપૂર્ણ બહિષ્કાર કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ભુજના પ્રમુખ અનિલ ગોરે જણાવ્યું હતું કે, કાશ્મીરના પહેલગામમાં બનેલી ઘટના બાદ ભારતીય સૈન્ય દ્વારા પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદીઓના અડ્ડાઓને ધૂળ ભેગા કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું અને ત્યારબાદ પાકિસ્તાને તુર્કી, ચીન અને અજરબૈજાન તરફથી મળેલા વિસ્ફોટક ડ્રોન અને મિસાઈલ વડે કાશ્મીરથી કચ્છ સુધી નાગરિકો અને સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા.
આપણ વાંચો: તુર્કીય અને અઝરબૈજાન સાથે રત્ન અને દાગીના વ્યવસાય પર દેશવ્યાપી પ્રતિબંધની અપીલ
ભારતમાંથી મોટા પ્રમાણ લોકો તુર્કી અને અજરબૈજાનનાં ઈસ્તબુલ અને બાકુ જેવા શહેરોમાં ફરવા માટે, ફિલ્મોના શૂટિંગ માટે જઈ રહ્યા છે, ત્યાંથી દર વર્ષે અંદાજે ૧૪૦૦ કરોડનાં સફરજન આયાત થાય છે, તુર્કીના મારબલનો પણ ૫૦૦૦ કરોડથી વધુનો આયાત થાય છે, પ્રવાસન અને વેપારથી આ બને દેશોની અર્થ વ્યવસ્થામાં મોટા પ્રમાણમાં ફાયદો થાય છે, આજ નાણાંમાંથી ભારતના દુશ્મન દેશ પાકિસ્તાનને હથિયારો આપે તે કદાપી ચલાવી લેવાય નહીં તેથી તુર્કી અને અજરબૈજાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત વસ્તુ ખરીદવા માટે ચીન સામે નવો વિકલ્પ શોધવા નિર્ણય લેવાયો હતો. દરમ્યાન, કચ્છ મારબલ અસોસિયેશનના પ્રમુખ વિજય માંડલિયાએ તુર્કીનો મારબલ નહીં મગાવવા, ફ્રુટ અસોસિયેશનના આગેવાન અરાવિંદભાઈ અજાણીએ કચ્છમાં ફ્રુટ નહીં મંગાવવા તેમજ દરેક કંપનીઓ ડિસ્ટ્રીબ્યુટર્સને માલના વેચાણનો ટાર્ગેટ આપી વિદેશોમાં ટુરમાં લઇ જતી હોય છે તો હવેથી કચ્છનાં ડિસ્ટ્રીબ્યુટર્સની કોઈપણ ટુર તુર્કી કે અજરબૈજાન ન કરવા પત્ર લખશે તેવું સિમેન્ટ એશોસિયેશનના પ્રમુખ જમનાદાસ વેલજીએ અને કચ્છ પેઈન્ટ એશોસિયેશનના પ્રમુખ નીલેશ સંપટે જણાવ્યું હતું.