કંડલા સેઝમાં યુઝડ ક્લોથના વ્યવસાયમાં ગુડગાંવના વેપારી સાથે ૨૩.૭૨ કરોડની છેતરપિંડીથી ચકચાર

ભુજઃ હરિયાણાના ગુડગાંવના જાણીતા વ્યવસાયી સાથે કચ્છના કંડલા ખાતેના મુક્ત વ્યાપાર કેન્દ્રમાંના યુઝ્ડ ક્લોથના વ્યવસાય સાથે સંકળાવેલી બે કંપનીના માલિકોએ રૂ. ૨૩.૯૨ કરોડની ઠગાઈ કરી હોવાની ગાંધીધામના બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ થતાં ભારે ચકચાર પ્રસરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, ગુડગાંવમાં રહેનાર ૪૮ વર્ષિય જશનપ્રીતસિંહ બ્રારે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૧૯માં વિશ્વભરના ફેલાયેલી કોરોના મહામારી વખતે અમેરિકા-યુરોપથી યુઝ્ડ ક્લોથ આયાત કરી, તેના સોર્ટિંગ અને રીસાયક્લિંગનો બેંગકોકમાં વ્યવસાય કરનાર તેનો મિત્ર ગુરવિન્દરસિંહ નાણાંભીડમાં ફસાયો હોઈ તેણે રૂ. ૩૨.૫૦ લાખ રૂપિયા માંગ્યા હતા અને નાણાંના બદલામાં તેની પ્રિસ્ટિન ગ્લોબલ કંપનીના ૫૫ ટકા શેર આપવાનો વાયદો આપ્યો હતો.
અલબત્ત મિત્રને પૈસા આપ્યા નહોતા પરંતુ તેના યુઝ્ડ ક્લૉથની આયાત અને તેના રીસાયક્લિંગના વ્યવસાયમાં રસ પડતાં ગુરવિન્દર સાથે ગુડગાવમાં ‘ભેટ કોર્પ ઈન્ડિયા પ્રા.લિ’ નામની કંપની સ્થાપી હતી અને આંતરરાષ્ટ્રીય વ્યવસાય માટે સરળતા રહે તે માટે બેટ ઈન્ટર કોન્ટિનેન્ટલ કોર્પોરેશન નામની બ્રાન્ચ શરૂ કરી જેમાં બંને ડાયરેક્ટર અને શેર હોલ્ડર હતા.
ત્યારબાદ કચ્છના કંડલા સેઝ ખાતે ઈમ્પોર્ટેડ યુઝ્ડ ક્લોથનો નફાકારક વ્યવસાય ચાલતો હોઈ તેઓએ અહીં યુઝ્ડ ક્લોથ ઈમ્પોર્ટ કરતા ત્રણ એકમો જિન્દાલ ફાઈબર્સ, યુએસ ક્લોથીંગ અને ટેક્સપોલી ઈમ્પેક્સ સાથે ટાઇઅપ કરીને વેપારનો પ્રારંભ કર્યો હતો. કંપની કન્ટેઈનરો મારફતે કાસેઝના ત્રણે યુનિટને યુઝ્ડ ક્લૉથનો માલ પહોંચાડતી હતી, જોકે કોઈ કારણોસર જિન્દાલ ફાઈબર્સનું લાયસન્સ રદ થઈ જતાં બાકી બચેલી બે કંપનીઓ સાથે તેમનો વ્યવસાય ચાલું રહ્યો હતો.
ગત નવેમ્બર ૨૦૨૫માં ફરિયાદીએ કંપનીના હિસાબો ચેક કરતાં યુએસ ક્લોલિંગ અને ટેક્સપલી ઈમ્પેક્સ જોડેના વેપારમાં મોટી આર્થિક ગરબડો હોવાનું ધ્યાને ચઢ્યું હતું. હનીફ મોહમ્મદ તલ્લુની કંપની યુએસ ક્લોધિંગ કંપનીએ ૬૭ કન્ટેઈનર મોકલાવ્યા જેમાં ચોપડાં પર માલની કિંમત માત્ર ૩ કરોડ પર લાખ દર્શાવી હતી, જયારે જિન્દાલ ફાઈબર્સને તેમની કંપનીએ મોકલેલાં ૩૬ કન્ટેઈનર્સના માલનું મૂલ્ય ૩.૧૭ કરોડ દર્શાવાયું હતું.
શંકા જતા ગહન તપાસ કરતાં બહાર આવ્યું હતું કે, તેમની કંપનીને વિદેશમાં સામાન ખરીદવા માટે ફરિયાદીની કંપનીના એકાઉન્ટમાંથી બે વખત ટુકડે ટુકડે કુલ ૫૬.૯૨ લાખ રૂપિયા આપ્યા હતા પરંતુ નાણાં અને માલ પરત આવ્યો નહિ. ટેક્સપલી ઈમ્પેક્સ કંપનીમાં ફરિયાદીની કંપનીએ ૯૬ લાખનું રોકાણ કર્યું પણ તેની સામે કંપનીને કેવળ ૩૬ લાખ પરત મળ્યા અને ૬૦ લાખ પરત ન મળ્યા. ટેક્સપોલી કંપનીએ એટૂઝેડ કંપનીના ખોટાં સહી સિક્કાવાળા બિલ મારફતે ૧૯.૪૪ લાખ રૂપિયા જમા કરાવીને ત્રિપુટીએ ઠગાઈના હેતુથી માલનું અંડરવેલ્યુએશન દર્શાવી રૂપિયા મેળવી લીધા હતા અને પરત માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ત્રણ આરોપી પૈકીનો એક મોહમ્મદ રફિક લાલ મોહમ્મદ બારા અગાઉ ઓગસ્ટ ૨૦૧૬માં ગાંધીધામમાં ખંડણીના હેતુથી બંદૂકના નાળચે ઠાર મરાયેલા સચિન ઊર્ફે મૃત્યુંજય ધવનના હત્યા કેસમાં આરોપી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રિપોર્ટર- ઉત્સવ વૈદ્ય



