ભુજ

ખારાઈ ઊંટ ‘કેદ’: કચ્છના માલધારીઓ પર મહારાષ્ટ્રમાં આફત

ભુજઃ મહારાષ્ટ્ર, છત્તીસગઢ,તેલંગાણા અને છેક આંધ્રપ્રદેશ સુધી પોતાના પશુધનને ચરાવવા માટે ભાતીગળ પ્રદેશ કચ્છના સેંકડો રબારી માલધારી પરિવારો સતત સ્થાળાંતર કરતા હોય છે અને તેમના માલ-સામાન ઉપરાંત પશુના બચ્ચાંઓને લઇ જવા માટે અફાટ સમુદ્રમાં લાંબા અંતર સુધી તરી શકવાની ક્ષમતા ધરાવતી વિશ્વની એકમાત્ર ઊંટ જાતિ તરીકે પ્રખ્યાત ખારાઈ ઊંટનો મોટાપાયે ઉપયોગ કરે છે.

ઊંટને કતલના ઇરાદે લઇ આવ્યા હોવાની આશંકા

પોતાના પશુધન સાથે મહારાષ્ટ્ર પહોંચેલા કચ્છના સીમાવર્તી લખપત તાલુકાના જાડવા ગામના રબારી ભારા મંગુ અને તેમના પુત્ર રબારી મંગલ ભારા વિરુદ્ધ નંદુરબાર જિલ્લાના શહાદા પોલીસ મથકમાં ફરિયાદ નોંધીને તેમના 3ર જેટલા ઊંટને કતલના ઇરાદે લઇ આવ્યા હોવાની આશંકામાં જપ્ત કરી, પોલીસ નિગરાની હેઠળ રાખવામાં આવતાં આ કચ્છી માલધારી પરિવાર ભારે તકલીફમાં મુકાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે.

કોર્ટે ઊંટને મુક્ત કરવાનો ઓર્ડર આપ્યો હતો

આ અંગે સહજીવન સંસ્થાના પ્રોગ્રામ ડાયરેક્ટર રમેશ ભટ્ટીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં શહાદા પોલીસના ચાર કર્મીઓ તપાસ માટે કચ્છ આવ્યા હતા. અહીં ઊંટ માલધારી સંગઠનના પ્રમુખ આશાભાઈ રબારી, સહજીવન સંસ્થાના પ્રતિનિધિઓ અને અહીંથી ઊંટ મોકલનાર માલધારીઓનાં નિવેદન લીધાં હતાં. તપાસકર્મી પોલીસ ટુકડીએ આ ઊંટ કતલ માટે નહીં, પરંતુ મહારાષ્ટ્રમાં વસતા રબારી માલધારીઓને માઈગ્રેશનમાં ઉપયોગ કરવા માટે લઈ જાય છે, તેવો સ્પષ્ટ રિપોર્ટ રજૂ કરતાં કોર્ટે ઊંટને મુક્ત કરવાનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ ફરિયાદીઓ વારંવાર અપીલમાં જતાં હોઈ આ મામલો હજુ પણ અદાલત સમક્ષ પેન્ડિંગ છે.

દરમ્યાન, રાજસ્થાનના સિરોહી જિલ્લાના મહાવીર કેમલ સેન્ચ્યુરીએ ઊંટોને પોતાની કસ્ટડીમાં લેવા અને રાજસ્થાન ટ્રાન્સફર કરવા માટે માગણી કરી છે, જો આમ થશે તો કચ્છના ઊંટ અને માલધારીઓ ઉપર વધુ આફત આવશે, તેવું રમેશ ભટ્ટીએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં નર ઊંટના ધણને લઈને પસાર થતા કચ્છના માલધારીઓને જોઈને મહારાષ્ટ્રના કહેવાતા સ્થાનિક ગૌ-સેવકો, જીવદયાનાં નામે તેમને પકડી પાડે છે. પોલીસમાં કેસ દાખલ કરાવે છે અને પછી ભોળા માલધારીઓ આ કાયદાની જાળમાં ફસાઈ જાય છે. આવી ઘટનાઓ સતત વધી રહી છે, જેના લીધે કચ્છના મહારાષ્ટ્રમાં વસતા રબારી માલધારીઓને પોતાના સ્થાળાંતર દરમ્યાન માલ-સામાન ઉઠાવવા માટે જરૂરી નર ઊંટ મળતા નથી.

ઘણા માલધારીઓ બળદગાડાનો ઉપયોગ કરતા થયા છે, જ્યારે બીજી તરફ કચ્છમાં ઊંટની સંખ્યા વધી રહી છે, જેમાં નર ઊંટની સંખ્યા પણ સારી એવી વધી રહી છે. હવે નર ઊંટનો એકમાત્ર ઉપયોગ રબારી માલધારીઓ પોતાના માલ-સામાન ઉપાડવા માટે કરે છે. આ રીતે ઊંટ માલધારીઓને નર ઊંટ વેચીને આવક મળે છે, પરંતુ હવે અહીં પણ તેમણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમ આશાભાઈ રબારીએ જણાવ્યું હતું.

માલધારી સંગઠનના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ રબારી, મહેશ ગરવાઈ નંદુરબારની કોર્ટમાં સુનાવણી માટે ઉપસ્થિત રહ્યા હતા. ઊંટના માલિક અને ભારાભાઈ રબારી આ ઊંટને કચ્છ પરત લઈ આવવા તૈયાર છે અને તે માટે મદદ માગી રહ્યા છે. કચ્છના ઊંટ માલધારીઓ સમયસર કાયદાની જાળમાંથી મુક્ત થાય તે માટે તેમને કચ્છ-મોરબી વિસ્તારના સંસદ વિનોદભાઈ ચાવડા પણ પ્રયાસ કરી રહ્યા હોવાનું રમેશ ભટ્ટીએ જણાવ્યું હતું

(ઉત્સવ વૈદ્ય )

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button