કચ્છમાં દૂધાળા પશુમાંથી દૂધનું ઉત્પાદન વધારવા માટે વૈજ્ઞાનિક પ્રયોગ હાથ ધરાશે

ભુજઃ દૂધના ઉત્પાદનમાં મહત્વનું યોગદાન આપી રહેલા ભાતીગળ પ્રદેશ કચ્છમાં ગાય અને ભેંસ વર્ગના દૂધાળા પશુઓમાં કૃત્રિમ બીજદાનનો વ્યાપ વધારવા માટે જિલ્લા સમાહર્તા અમિત અરોરના અધ્યક્ષ સ્થાને કચ્છ જિલ્લા પશુપાલન વિભાગના અધિકારીઓ સાથે એક બેઠક મળી હતી. આ બેઠકમાં પશુસંવર્ધન ક્ષેત્રે વિજ્ઞાનના ચમત્કાર એવા સેક્સ્ડ સિમેન ડોઝના બીજદાનના ઉપયોગથી ૯૦ ટકા માત્ર માદા બચ્ચાનો જન્મ સંભવ બનાવવામાં આવશે, જ્યારે તેનાથી દૂધનું ઉત્પાદન પણ વધારી શકાશે.
ભુજમાં કલેકટર કચેરીમાં મળેલી બેઠકનો મુખ્ય હેતુ કચ્છ જિલ્લાના અબડાસા, લખપત, રાપર, નખત્રાણા સહિતના પશુપાલન ક્ષેત્રે સંકળાયેલા તાલુકાઓમાં સેક્સ્ડ સિમેન કૃત્રિમ બીજદાનનો વ્યાપ વધારવાનો હતો, જેથી વધુમાં વધુ માદા સંતતિ જન્માવીને દૂધનું ઉત્પાદન વધારી શકાય.
આપણ વાંચો: Gir Somnath ના કોડીનારમાં એક સાથે 15 પશુઓને લાગ્યો વિચિત્ર રોગ, એક ભેંસનું મોત
પશુપાલન ક્ષેત્રે વિકાસશીલ રાપર અને લખપત તાલુકામાં કૃત્રિમ બીજદાનની કામગીરી ઓછી થાય છે, જેથી રાપરમાં અને લખપત તાલુકામાં ૨-૨ મળીને કુલ ૪ કૃત્રિમ બીજદાન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, એવી માહિતી નાયબ પશુપાલન નિયામક ડો. રાજેશ પટેલ દ્વારા અપાઈ હતી.
કચ્છ જિલ્લામાં સૌથી વધુ કૃત્રિમ બીજદાન બંદરીય માંડવી, મુંદરા, અંજાર, ગાંધીધામ તાલુકામાં થાય છે. જિલ્લામાં કૃત્રિમ બીજદાનનો લાભ બધા પશુપાલકોને મળે તે માટે તાલુકા પશુચિકિત્સા અધિકારીઓનો સંપર્ક કરવા જણાવાયું હતું.
કાર્યરત લક્ષ્યાંક સિદ્ધિ માટે જિલ્લા પંચાયત હસ્તકના ૨૦ અને ૧ બી.એ.આઈ.એફ. એમ કુલ ૨૧ નવા બીજદાન કેન્દ્રો કચ્છ જિલ્લામાં કાર્યરત કરવામાં આવ્યા છે, જેથી હવે અત્યાર સુધીના ૮૮ અને નવા ૨૧ મળીને કુલ ૧૦૯ બીજદાન કેન્દ્રો કાર્યરત થયા હોવાનું નાયબ પશુપાલન નિયામક ડોક્ટરે જણાવ્યું હતું.