ભુજઃ કચ્છીઓની વ્યાપક વસ્તી ધરાવતા આફ્રિકા ખંડના એક દેશ મડાગાસ્કરના મજેન્ડામાં ચોખા તથા કઠોળની આયાત-નિકાસના વ્યવસાય સાથે સંકળાયેલા કચ્છી વિશા ઓસવાળ જૈન સમાજના જયેશ છેડા નામના ૫૭ વર્ષના વેપારીની લૂંટારાઓએ લૂંટ ચલાવ્યા પછી ગોળી મારીને કરપીણ હત્યા કરી દેતાં કચ્છ સહીત બૃહદ કચ્છના સમસ્ત જૈન સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
બનાવ અંગે જાણવા મળેલી વિગતો મુજબ, શાહ પરિવારની પંદરેક વર્ષ પૂર્વે મુંબઈના મસ્જિદ બંદર વિસ્તારમાં શાહ રવજી ગાંગજીની કંપની નામે અનાજની પેઢી હતી. ત્યારબાદ નવી મુંબઈ વાશીની એપીએમસીમાં તેમની પેઢી ખસેડવામાં આવી હતી. વર્ષ ૨૦૦૩માં પરિવારના મોભી એવા મોરારજી દેઢિયાનું અવસાન થયા બાદ જયેશ છેડાએ વર્ષ ૨૦૧૦માં ઈસ્ટ આફ્રિકાના દેશ મડાગાસ્કરના મજેન્ડામાં ચોખા નિકાસનો વેપાર શરૂ કર્યો હતો.
ગયા શુક્રવારે ભારતીય સમય પ્રમાણે સવારના સાડા નવેક વાગ્યાના અરસામાં પત્ની ઉમાબહેન સાથે બહાર જવા માટે તેઓ તેમની કાર તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક મોટરસાઈકલ પર આવી ચઢેલા બુકાનીધારી લૂંટારાઓએ બંદૂકના નાળચે જયેશભાઇ પાસેથી રોકડ લૂંટી પોઇન્ટ બ્લેન્ક રેન્જથી જાહેર ગોળી મારી દેતાં ઉમાબહેનની નજર સમક્ષ જયેશભાઈનું મોત થયું હતું. લૂંટારુંઓએ હતપ્રભ બની ગયેલાં ઉમાબહેન પર પણ ફાયરિંગ કર્યું હતું જો કે તેઓ સમયસર એક સિમેન્ટના પિલર પાછળ છુપાઈ જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. વિદેશી મૂળના નાગરિકની હત્યાનો બનાવ બહાર આવતાં ઘટનાની તપાસ ડિરેક્ટોરેટ ઑફ ક્રિમિનલ ઈન્વેસ્ટીગેશનને સુપ્રત કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ આફ્રિકામાં પાંચ વર્ષથી સ્થાયી થયેલા રાજકોટના એક વેપારીની પણ લૂંટના ઇરાદે ગત માર્ચ મહિનામાં બંદૂકના ભડાકે હત્યા કરી દેવાઈ હતી. તેમજ ગત ફેબ્રુઆરીમાં નૈરોબીમાં એક કચ્છીએ તેના કચ્છી મિત્રની ઘાતકી હત્યા કર્યા બાદ મૃતદેહને તેજાબમાં ઓગાળી દીધો હોવાનો બનાવ બન્યો હતો જેમાં કચ્છી ઉપરાંત તેના ત્રણ સાગરીત એવા ત્રણ હબસી હત્યારાઓની સંડોવણી બહાર આવી હતી.