મોસમના બદલાયેલા મિજાજની અસર: કચ્છી કેસર કેરીને પછાડી ‘લંગડો’ મેદાન મારી જશે

ભુજ: ગુજરાતમાં ચોમાસું જામી ચુક્યું છે, કચ્છ જીલ્લામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે કચ્છના કેરીના વેપારીઓની ચિંતા વધી છે. વેપારીઓ દોડધામ કરી કેરીનું ઝડપથી વેંચાણ કરવા પ્રયાસ કરી રહ્યા છે, કેમ કે ભેજવાળા વાતાવરણમાં અને વરસાદી માહોલમાં તૈયાર કેરીમાં ફૂગ પડવા લાગે છે.
આ વર્ષે અગાઉ કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકશાન પહોંચ્યું હતું અને હવે ચોમાસું પ્રમાણમાં વહેલું બેસી જતાં તૈયાર કેરીઓમાં ફૂગ પડી જવાની શરૂઆત થવા લાગી છે, જેને કારણે કચ્છી કેસર કેરીના વેપારને વિપરીત અસર પડી છે.
આ કારણે કેરીનો પાક નિષ્ફળ જશે:
કચ્છની કેસર કેરી મોટા પ્રમાણમાં ગ્રેટ બ્રિટન, અમેરિકા, દુબઇ, સલ્તનત ઓફ ઓમાન, સાઉદી અરેબિયા ઉપરાંત ઇટાલી અને ફ્રાન્સ સુધી નિકાસ થતી હોય છે,પણ આ વર્ષે રાજ્યમાં લાંબો સમય ચાલેલી શિયાળાની ઋતુ, તેમજ વહેલું ચોમાસું બેસી ગયા બાદ શરૂ થઇ ગયેલા વરસાદના દૌરના પગલે કચ્છમાં કેરીનો પાક મોટેભાગે નિષ્ફ્ળ રહ્યો છે.
ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત તરીકે પંકાયેલા કચ્છના માંડવી તાલુકાના મોટી મઉ ગામના બટુકસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે આ વખતે કચ્છના કેસર આંબાની નિકાસ ખુબ ઓછા પ્રમાણમાં થઇ શકી છે. તેમણે ઉમેર્યું હતું કે માત્ર કમોસમી વરસાદ જ નહીં, પરંતુ ભારે પવનોને કારણે પણ ઝાડ પરથી કેરીના પાકા ફળો ખરી પડ્યાં છે, જેના પર ‘દાગી’ લાગી જતાં તેના નિકાસ પર અસર પહોંચવા પામી છે.
ખેડૂતો પર આફળ તૂટી પડી:
ઉલ્લેખનીય છે કે, કચ્છમાં આ વર્ષે ખેડૂતોએ હજારો હેકટર જેટલી જમીનો પર અંબાના પાકનું વાવેતર કર્યું હતું અને મબલખ પાકની આશા ખેડૂતો રાખતા હતા પણ વધારે પડતો કમોસમી વરસાદ અને લાંબો સમય સુધી ચાલેલાં શિયાળા અને વિક્રમજનક ગરમી સાથેના ઉનાળા ત્યારબાદ કમોસમી વરસાદ, પ્રતિકલાકે 42 કિલોમીટરની ઝડપે સતત ફૂંકાતા ગાંડાતૂર પવનોને કારણે કેરીનો પાક લગભગ નિષ્ફ્ળ નીવડ્યો છે, જેણે ખેડૂતો પર આફત તૂટી પડી છે.
‘લંગડો’ દોડ જીતી જશે?
અલબત્ત, કચ્છની કેસર કેરીથી મન ભરીને ખાવાથી ચુકી ગયેલા લોકોને જો કે આ વર્ષે કેરીની ‘લંગડા’ નામની કેરીની જાતનો પુષ્કળ આનંદ મળશે. લંગડા આંબા પર ચોમાસાં દરમ્યાન જ ફળ આવે છે અને વરસતા વરસાદ વચ્ચે જો લંગડા કેરીનું ફળ પલળે તો પણ તેને કોઈ અસર થતી નથી.
કેરીની સીઝન પુરી થયા બાદ જુલાઈ મહિનાથી કચ્છમાં મહારાષ્ટ્રના સતારા, અહેમદ નગર તેમજ તામિલનાડુ અને આંધ્ર પ્રદેશથી લંગડા કેરીની આવક શરૂ થાય છે. આંબાની આ સીઝનમાં કચ્છ તેમજ સૌરાષ્ટ્રની કેસરને પછાડીને આ વર્ષે પણ લંગડો આંબો દોડ જીતી જશે એવું લાગે છે.
આ પણ વાંચો…કેસર કેરી મહોત્સવઃ અમદાવાદીઓ 4 કરોડની કેરી ઝાપટી ગયા…