ભુજ

ચોમાસાં ટાંકણે કચ્છમાં ગરમીનો કાળો કહેર: દુબઇ અને દોહા જેવી ભુજમાં ગરમી

હેલ્થ ક્રાઈસીસ ઉભી કરે છે આ ગરમી: ખાટલા ભેગા ન થવું હોય તો ધ્યાન રાખવાની તબીબોની સલાહ

ભુજ: અષાઢી બીજ પર્વને આડે હવે જયારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વરસાદી વાતાવરણની ગેરહાજરી વચ્ચે અકળાવનારી ગરમીએ સરહદી જિલ્લા કચ્છ પર કાળો કહેર વર્તાવવાનું જારી રાખ્યું છે અને તેમાં પણ અરબી સમુદ્રમાં પ્રવેશી ચુકેલી સિસ્ટમને કારણે ભેજનું પ્રમાણ વધી જતાં અને પવનો મંદ પડી જતાં શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે. કચ્છના ભુજ ખાતે આજે મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ રહેવા પામ્યું હતું અને અન્ય મથકોએ પણ મહત્તમ તાપમાન ૩૮થી ૩૯ ડિગ્રીની વચ્ચે રહેવા પામ્યું છે પણ ગરમીની અનુભૂતિ ૪૩ ડિગ્રી જેટલી થતી હોવાનું હવામાનના વિવિધ મોડેલો પરથી જાણવા મળી રહ્યું છે.

આજે ભુજનું તાપમાન દુબઇ અને દોહા-કતાર સમક્ષ રહેવા પામ્યું છે. ચિંતાની વાત એ છે કે, હવામાન ખાતાએ કચ્છમાં વરસાદને બદલે ગરમી હજુ વધવાની આગાહી કરી છે. આ પ્રકારના હવામાનને લઈને ગરમી જાણે આગામી શ્રાવણી તહેવારો દરમ્યાન વિલનની ભૂમિકા ભજવે તેવું અત્યારે લાગી રહ્યું છે. ‘જો આવું થશે તો લોકો સ્વાભાવિક રીતે વાતાનુકુલિત શોપિંગ મોલ્સમાં જઈને ખરીદી કરશે જે નાના વેપારીઓ માટે પડકારરૂપ બાબત બની રહેશે’ તેવું ભુજના એક વેપારી નિલેશ શાહે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે,ભારત જેવા ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં આ વખતની ગરમી કાળો કેર વર્તાવી રહી છે. સચરાચર વરસાદને હજુ વાર હોઈ, ધીમે-ધીમે પરિસ્થિતિ કાબુ બહાર જતી હોવાનું અનુભવાઈ રહ્યું છે અને આ પરિસ્થિતિની ગંભીર અસર ‘પબ્લિક હેલ્થ’ પર પડી રહી છે અને આ જૂન મહિનાની અકળાવનારી ગરમી એક ગંભીર પ્રકારનું ‘હેલ્થ-રિસ્ક’ બની જવા પામી છે. ભારતના અન્ય શહેરોની જેમ કચ્છ-સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ખાનગી અને સરકારી દવાખાનાઓમાં કોરોના ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણોથી પીડાતા દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે અને આ પરિસ્થિતિ ગત માર્ચ મહિનાથી જ શરૂ થઇ ચુકી હોવાનું તબીબો જણાવી રહ્યા છે. વધતાં જતાં વૈશ્વિક તાપમાન અને હવામાનની પેટર્ન્સમાં આવી રહેલા બદલાવને લઈને આ ગરમી એક ગંભીર પ્રકારનું હેલ્થ-રિસ્ક બનવા પામી છે.

દક્ષિણ-પશ્ચિમ વર્ષાઋતુનું કેરળમાં આગમન થાય ત્યારે અસામાન્ય રીતે તાપમાન ઊંચું જવા લાગે છે અને તેમાં ભેજનું વધતું પ્રમાણ લોકોને શ્વાસ લેવા માટે વલખાં મારતા કરી મૂકે છે. ‘ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ’ દ્વારા એવી ચેતવણી અપાઈ છે કે આ ગરમી હજુ વધતી જ રહેશે અને તેનો સમયગાળો પણ લંબાશે અને તે માનવ શરીરની સહન શક્તિને પણ પાર કરી જશે.

આ પ્રકારના બદલતા જતા મોસમમાં ઉષ્ણતામાન અને ભેજમાં થતો વધારો અને સૂકા પવનો ઉપરાંત મંદ પડી જતા પવનોને કારણે ગૂંગળામણ અનુભવાય છે જે આરોગ્ય માટે અત્યંત જોખમી છે. આવું વાતાવરણ રોગ પ્રતિકારક શક્તિ ખોરવી નાખે છે અને કેટલાક વાઇરલ અને બેક્ટેરિયલ ચેપ વાળા જુદા-જુદા પ્રકારના તાવ ખાસ કરીને બાળકો અને વયસ્કોને ખાટલાવશ કરી મૂકે છે.

ઊંચું તાપમાન અને વાયુપ્રદૂષણને કારણે હવાને પ્રદુષિત કરતા પોલ્યુટન્ટ્સને કારણે એક ‘ટોક્સિક કોકટેલ’ ઉભું થાય છે જે શ્વસનતંત્ર પર ગંભીર અસરો કરે છે.

આ પણ વાંચો…ફોકસ : ગરમી હાય તોબા! આંખો પર હિટ વેવની અસર વિશે જાણો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button