ઓપરેશન સિંદૂર સમયે ભુજમાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા યુવકની જામીન અરજી ફગાવાઈ

ભુજ: ઓપરેશન સિંદૂર વખતે ગુજરાતના ત્રાસવાદ વિરોધી દળના હાથે નારાયણ સરોવરમાંથી પકડાયેલા પાકિસ્તાની જાસૂસ એવા સહદેવસિંહ દીપુભા ગોહિલ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજીને અદાલતે ફગાવી દીધી છે.
પાકિસ્તાની ખુફિયા એજન્સી આઈએસઆઈની મહિલા ઓફીસર અદિતિ ભારદ્વાજે સહદેવને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. તેના કહેવાથી ગોહિલે ભારતીય નૌસેના અને સરહદી સલામતી દળ વિશેની સંખ્યાબંધ સંવેદનશીલ માહિતી વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્કથી પાકિસ્તાન મોકલી હતી. જેને બદલે તેને રૂપિયા 40,000 નું મહેનતાણું પણ અપાયું હતું.
એટીએસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો
સહદેવે ગત જાન્યુઆરી 2025માં જીયોનું સીમકાર્ડ ખરીદયુ હતું. તેમજ ફેબ્રુઆર માં તેણે પોતાના વ્હોટ્સએપનો ઓ.ટી.પી પાકિસ્તાની એજન્ટને આપ્યો હતો. જેથી આ પાકિસ્તાની મહિલા જાસૂસ પણ વોટ્સએપમાં ભારતની સંવેદનશીલ માહિતીઓને જોઈ શકે. સહદેવ ગોહિલના મોબાઈલ ફોનની ફોરેન્સિક એનાલિસિસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી મોકલાતા આ ફોનથી પાકિસ્તાન સાથે સંખ્યાબંધ માહિતી અને ડેટાની આપ-લે કરવામાં આવી હોવાનું સુરક્ષા એજન્સીઓને જાણવા મળ્યા બાદ એટીએસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
11 દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા
આ પાકિસ્તાની જાસૂસને જે-તે વખતે નલિયાની અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં 11 દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા.મહત્વની બાબત એ છે કે, જાસૂસીના આ કામ માટે લખપતના દયાપરમાં રોકડા રૂપિયા 40,000 રૂપિયા સહદેવને કોણ આપી ગયું તે હજુ સુધી તપાસ એજન્સી દ્વારા જાહેર કરાયું નથી.