ભુજ

કચ્છના અંજાર તાલુકામાંથી રૂપિયા 1.25 લાખની ખારેક ચોરાઈ! ખેડૂતોમાં ચિંતા વ્યાપી

અજાપર ગામ નજીક આવેલી એક ખાનગી કંપનીની ઓફિસમાંથી 6 લાખ રૂપિયા પણ ચોરી થઈ

ભુજઃ કચ્છ જિલ્લામાં તસ્કરોનો ત્રાસ સતત વધતો જાય છે. તાજેતરમાં અંજાર તાલુકાના રતનાલ ગામની સીમમાં આવેલી એક ખેતીવાડીમાંથી અંદાજિત રૂપિયા 1,25,000ની કિંમતની આશરે 2,500 કિલો ખારેકની ચોરીનો બનાવ બન્યો છે. જેને લઈને ખેડૂતોમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઉપરાંત અજાપર ગામ નજીક આવેલી એક ખાનગી કંપનીની ઓફિસમાંથી રૂપિયા 6 લાખની રોકડ ચોરી થયાની ઘટનાઓથી સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.

એક રાતમાં તસ્કરો 2,500 કિલો ખારેક ચારી ગયા

અંજાર તાલુકામાં આવેલા રતનાલ ગામના ધાણેટી માર્ગ પર વસવાટ કરતા રાજેશ ધુલાભાઈ રવા વરચંદ (આહીર)ની વાડીમાં ખારેકની ચારી થઈ હતી. આ મામલે ખેડૂતે ફરિયાદ નોંધવતા પોલીસને જણાવ્યું હતું કે, તેમના પિતાના નામે આવેલી જમીન પર ખારેકની ખેતી કરવામાં આવી રહી છે. આ પાક ગંગારામ પટેલ નામના વેપારીને વેચાયો હતો અને હાલમાં કટિંગ-પેકિંગનું કામ ચાલુ હતું. ગત તારીખ 12 જુલાઈના રોજ ગંગારામ પટેલે ખારેક ન હોવાની જાણ કરતા તેઓ વાડી પર પહોંચ્યા હતા. ત્યાં તપાસ કરતાં તેમને ફેન્સિંગ તૂટેલું મળી આવ્યું. આગંતુક તસ્કરો મીની ટેમ્પો લઈ અંદર ઘૂસ્યા હતા અને આશરે 25 ઝાડોમાંથી રૂપિયા 1.25 લાખની કિંમતની 2,500 કિલો ખારેક ચારી ગયાનું પ્રકાશમાં આવ્યું છે. પોલીસે ફરિયાદના આધારે કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અજાપરમાં પણ 6 લાખના રોકડની ચોરી થઈ

અંજારના સંઘડ વિસ્તારમાં રહેતા માવજી ઉર્ફે હરિ રાઘુ કોવાડિયા દ્વારા નોંધાવાયેલી બીજી ફરિયાદ મુજબ તેઓ અજાપર નજીક ‘અજય પેકેજિંગ’ નામની કંપની ચલાવે છે, જ્યાં કોરુગેટેડ બોક્સ બનાવવામાં આવે છે. 11મી જુલાઈના રોજ કંપનીના એકાઉન્ટન્ટ શૈલેશ ગુસાઈએ રૂપિયા 6 લાખ રોકડ રકમ ઓફિસના ટેબલના ખાનાંમાં મૂકી હતી. તેઓના બહાર ગયાં બાદ રાત્રિના સમયે તસ્કરો કંપનીના ફેન્સિંગ તોડી અંદર ઘૂસ્યા હતા અને ટેબલનું ખાનું તોડી અંદરની રોકડ ચોરી ગયા હતા.

અગાઉથી યોજના બનાવી ચોરી કરનારા તસ્કરો પાછળની દીવાલ પરનું ફેન્સિંગ તોડી અંદર ઘૂસ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન ફેન્સિંગ તૂટેલું અને ટેબલ તોડાયેલું હોવાનુ ખુલ્યું હતું. પોલીસે ફરિયાદ નોંધી, સી.સી.ટી.વી. ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. હવે જોવાનું એ રહે છે આ મામલે કેવી કાર્યવાહી કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button