શોકિંગઃ કચ્છમાં દંપતીએ ગૂડ્સ ટ્રેન નીચે ઝંપલાવ્યું, ચાર વર્ષની દીકરીનો બચાવ પણ…
ભુજ: કચ્છના મુંદરા તાલુકાના ગુંદાલા ગામે રહેનારા એક યુવાન દંપતીએ તેમની ચાર વર્ષની માસુમ દીકરી સાથે માલગાડી નીચે પડતું મૂકી સામૂહિક આપઘાત કરતાં કચ્છમાં ભારે અરેરાટી છવાઈ ગઈ છે. માતા-પિતા બંનેનું માલગાડીના પૈડાં નીચે કચડાઈ જવાથી કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે, જયારે ચમત્કારિક રીતે નાનકડી બાળકીનો આબાદ બચાવ થયો છે.
ભદ્રેશ્વર નજીક વડાલા રેલવે ફાટક પાસે ગત રાત્રે 11 વાગ્યે બનેલા હૃદયદ્રાવક કિસ્સા અંગે જાણવા મળેલી વિગતો મુજબ, બ્રિજેશ ગુંસાઈ, તેની પત્ની રંજનાબેને તેમની ચાર વર્ષની દીકરી સાથે માલગાડી નીચે પડતું મૂક્યું હતું.
પતિ પત્ની બેઉ જણ ટ્રેનની ટક્કરે કચડાઈ ગયાં હતા પરંતુ દીકરી રેલવે ટ્રેકની વચ્ચે રહી હતી. માલગાડીના ડ્રાઈવરે તત્કાળ બ્રેક મારી ટ્રેન થોભાવી હતી. છતાં દીકરી ઉપરથી માલગાડીના ચાર પાંચ વેગન પસાર થઈ ગયાં હતાં.
આપણ વાંચો: જામકંડોરણાના સનાળા ગામે સામૂહિક આપઘાત; ઘર કંકાસમાં ભર્યું અંતિમ પગલું
કાર લઈને અંધારામાં કર્યો આપઘાત
લોકો પાયલટ અને સ્થાનિકે હાજર લોકોએ દોડીને જઈને જોયું તો વેગન નીચે દીકરી રડતી રડતી બેઠી હતી. મૃતક બ્રિજેશ ગામમાં માતાજીના મંદિરે સેવા પૂજા કરતાં હતો. આપઘાત કરવાનો નિશ્ચય કરીને દંપતી તેમની કાર લઈને ભદ્રેશ્વર આવ્યું હતું. ફાટકથી થોડેક દૂર કાર થોભાવીને રાતના અંધારામાં દંપતી પગપાળા ચાલતું ટ્રેક પર પહોંચ્યું હતું.
આપઘાતનું કારણ આર્થિક સંકડામણ
પ્રાથમિક તપાસ અનુસાર આપઘાતનું કારણ આર્થિક સંકડામણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે કાર ચેક કરતાં કારના ડેશબૉર્ડ પરથી દંપતીએ સ્વેચ્છાએ આપઘાત કરતાં હોવાનું લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી છે.
આપણ વાંચો: આ વર્ષે Gujarat Police માં આપઘાતની ઘટનાઓ; ચાર મહિલા કોન્સ્ટેબલે ટૂંકાવ્યું જીવન!
મૃતકના સ્વજનો આઘાતમાં હોઈ પોલીસે હાલપૂરતું વધુ કોઈ પૂછપરછ કે તપાસ કરવાનું ટાળ્યું હોવાનું મુંદરા મરીન પી.એસ.આઈ નિર્મલસિંહ જાડેજાએ જણાવ્યું હતું.