ભુજ

ગાંધીધામમાં મેગા ડિમોલિશન યથાવત: હનુમાન મંદિરથી ગોપાલપુરી સુધીના ૧૩૦ દબાણોનો સફાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજઃ કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ સંકુલમાં મહાનગરપાલિકા દ્વારા છેડવામાં આવેલી મેગા ડિમોલિશન ડ્રાઈવ ફરી આગળ વધી છે અને શહેરના અત્યંત વ્યસ્ત હનુમાન મંદિરથી ગોપાલપુરી સુધીના વિસ્તારને રાષ્ટ્રીય ધોરીમાર્ગ સુધી ખુલ્લો કરવા માટે અહીં ૧૩૦થી વધુ અતિક્રમણોને મહાનગરપાલિકા દ્વારા દૂર કરી દેવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત નવીનીકરણના કાર્યને પાર પાડવા માટે ગાંધીધામના ઓસ્લો સર્કલથી કોટેશ્વર ચાર રસ્તા સુધી ફેલાયેલી ૨૪૫ જેટલી અનધિકૃત નાની-મોટી દુકાનોના માલિકોને નોટિસ આપ્યા બાદ, દુકાનદારો દ્વારા સ્વેચ્છાએ દબાણો દૂર કરવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે મનપાની દબાણ શાખાના ગાયત્રી પ્રસાદ જોશીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, હનુમાન મંદિરથી ગોપાલપુરી તેમજ કૈલાશ નગરમાં ખડકી દેવામાં આવેલાં ૧૩૦ જેટલાં દબાણોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યાં છે, આગામી દિવસોમાં ઓમ મંદિરથી લઈને રાજવી ફાટક અને ત્યાંથી લઈને રાષ્ટ્રીય ધોરીમાર્ગના સર્વિસ રોડ સુધીના વિસ્તારમાં ફેલાયેલાં તમામ દબાણોને દૂર કરવામાં આવશે.

ગાંધીધામ શહેરને પીવાનું પાણી પૂરું પાડતી મુખ્ય એક્સપ્રેસ લાઇનમાં સર્જાયેલા લીકેજને કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થયા બાદ આ લાઇનના તાત્કાલિક સમારકામ માટે મનપા દ્વારા કડક હાથે દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવ્યા બાદ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં અંદાજિત ૧૫૦૦થી વધુ દબાણોને દૂર કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં શહેરને દબાણમુક્ત કરી ૧૦ કિલોમીટર લાંબો રિંગ રોડ બનાવવાનું આયોજન છે.

રાજવી ફાટકથી ભારતનગર પહોંચવા માટે આ રિંગરોડ એક ‘બાયપાસ’ જેવું કામ કરશે, જેનાથી સમય અને ઇંધણની બચત થશે.૧૦ કિ.મીનો આ નવો કોરિડોર આસપાસના વિસ્તારોના વિકાસ માટે પણ મહત્વની ભૂમિકા ભજવશે તેમજ ફરીથી દબાણો થવાની શક્યતા નહિવત થઈ જશે તેમ તેઓએ ઉમેર્યું હતું.

(ઉત્સવ વૈદ્ય)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button