ભુજ

કચ્છના 23 વર્ષ જૂના કેસમાં ચુકાદો, પણ આરોપી કે ફરિયાદીનો કોઈ પત્તો નથી

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ
અંગત અદાવતમાં રહેણાક સળગાવી દઈને ઘરવખરી-વાહનોને નુકસાન પહોંચાડવાના ભૂકંપ વખતના ૨૩ વર્ષ જૂના એક ગુનામાં અંજાર સેશન્સ કૉર્ટે આરોપીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા સાથે એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ કેસમાં વિધિની વક્રતા એ છે કે, ગુનાની ટ્રાયલ શરૂ થયાં બાદ આજ દિન સુધી પરપ્રાંતીય આરોપી કે ફરિયાદીનો કોઈ અતોપત્તો મળ્યો નથી! ઓલ્ડેસ્ટ ટાર્ગેટેડ કેસ હેઠળ અંજાર સેશન્સ કૉર્ટે ઉપલબ્ધ સાક્ષીઓની જુબાની તથા એફએસએલ રીપોર્ટને પૂરાવા ગણીને આરોપીને દોષી ઠેરવ્યો છે.

મધ્યપ્રદેશના ઈન્દોર નજીક આવેલા દેપાલપુર ગામના ૩૦ વર્ષીય મુકેશ રામેશ્વર ઓડ (રાજપૂત) સામે કમલ મોજીલાલ ઓડે અંજાર પોલીસ મથકે ગત ૧૭-૦૪-૨૦૦૨ના રોજ પોતાના તથા નજીકના તંબુમાં રહેતા બંસીલાલના તંબુને કેરોસીન છાંટી આગ ચાંપીને સિત્તેર હજારની ઘરવખરી તથા મોટરસાઈકલને સળગાવી નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

આપણ વાંચો: ખૂબસૂરત – યુવાન ને પ્રેમપાત્ર હોવાથી 26 વર્ષની દોજખની સજા

મુકેશ અને કમલ કચ્છના ભૂકંપ બાદ વરસામેડીમાં નવા મકાનોના બાંધકામનો કોન્ટ્રાક્ટ લેતા હતાં. જોકે કમલને તેના કરતાં વધુ કોન્ટ્રાક્ટ મળતાં હોઈ મુકેશ તેની સાથે ઝઘડા કર્યાં કરતો.

કમલ તેના સાળા બાદરસિંહ ભુરિયા સાથે રહેતો અને બનાવના ત્રણેક દિવસ અગાઉ બાદરસિંહને તેની ભત્રીજી જોડે અનૈતિક સંબંધ છે તેવું આળ મૂકીને મુકેશે ઝઘડો કર્યો હતો. મુકેશે કેરોસિન છાંટીને કમલના તંબુને આગ ચાંપી દઈ નુકસાન કર્યું હતું.

આ કેસમાં અંજાર પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૩૬ અને ૪૪૭ હેઠળ ગુનો દાખલ કર્યો હતો, જો કે, પ્રારંભિક કાર્યવાહી બાદ મુકેશ પોતે ગામ મૂકીને નાસી ગયો હતો.

આપણ વાંચો: ત્રણ વર્ષ જુના પોક્સો કેસમાં બિટ્ટાના આરોપીને ૧૦ વર્ષની કેદ

કૉર્ટમાં ફરિયાદીની જુબાની લેવા માટે ૨૦૦૬માં સમન્સ ઈસ્યૂ થયું ત્યારે ફરિયાદીનો પણ કોઈ અતોપત્તો મળ્યો નહોતો. આ કેસમાં આરોપી અને ફરિયાદીને અનેકવાર મધ્યપ્રદેશમાં તેમના વતનમાં સમન્સ મોકલાયેલાં પરંતુ તેઓ ત્યાં રહેતાં ના હોવાના જવાબ સાથે સમન્સ પરત આવતાં હતાં.

કૉર્ટે વર્ષો જૂનાં કેસોનો ઝડપથી નિકાલ કરવાના ભાગરૂપે ટ્રાયલ શરૂ કરી હતી. તંબુને કેરોસિન છાંટી સળગાવાયા હોવાનો એફએસએલનો રીપોર્ટ, મુકેશે ધમકી આપી હોવાના અને તે મુજબ આગ ચાંપીને નુકસાન કર્યાની સ્થાનિક પંચોની જુબાનીને ધ્યાનમાં રાખીને અંજારના અધિક સેશન્સ જજ કે.કે. શુક્લએ આજે મુકેશને દોષી ઠેરવી પાંચ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.

વર્ષો જૂના આ કેસમાં કેટલાંક સાક્ષીઓ પણ મૃત્યુ પામ્યાં હતાં. મુકેશ પકડાયાં બાદ સજાનો અમલ કરવા કૉર્ટે ચુકાદામાં નોંધ કરી છે.

આ કેસમાં સરકાર તરફે આશિષ પંડ્યાએ હાજર રહીને દલીલો કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button