ભુજ

કચ્છમાં અકસ્માત અને આત્મહત્યાના બનાવોમાં ચાર યુવાનોના જીવ ગયા

ભુજઃ દેશના ઘણા ગંભીર મુદ્દા છે, જેમાનો એક છે આત્મહત્યા. કિશોરો અને યુવાનોનું આ રીતે જીવન ટૂંકાવી દેવાનું માત્ર જે તે પરિવાર માટે નહીં, સમગ્ર સમાજિક માળખા માટે દુઃખદાયી છે. કચ્છમાં એક નહીં પણ ત્રણ યુવાનને અમુક કારણોસર જીવ દઈ દીધો હોવાની ઘટના બની છે. આ સાથે કચ્છના અબડાસામાં પીયોણી ગામના તળાવમાં આવેલા પાલર પાણીમાં નખત્રાણાના યુવકનું માછીમારી કરતી વેળાએ ડૂબી જવાથી મોત નીપજ્યું હતું, બીજી તરફ નેત્રા, અંજારના મેઘપર (બોરીચી)માં અને મનફરા ગામમાં રહેનારા ત્રણ યુવાનોએ ગળેફાંસો ખાઈ, આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર પ્રસરી હતી.

પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, નખત્રાણાના કોલીવાસમાં રહેનારો ૨૪ વર્ષીય દિનેશ મોહન કોલી અન્ય બે જણ સાથે પીયોણી ગામના તળાવમાં માછલી પકડવા માટે ગયો હતો. એ દરમિયાન તેનો પગ લપસતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. બનાવ બાદ નલિયા પોલીસ અને મરીન કમાન્ડોએ પાંચ કલાકની શોધખોળ બાદ તેના મૃતદેહને બહાર કાઢ્યો હતો. નલિયા પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરવા સહિતની તજવીજ હાથ ધરી છે.

દરમ્યાન, આજના ફાસ્ટ જમાનામાં માનસિક તણાવનું પ્રમાણ વધવાની સાથે આત્મહત્યાના બનાવોમાં પણ ચિંતાજનક સ્તરે વધારો નોંધાઈ રહ્યો છે તેવામાં સરહદી કચ્છમાં વીતેલા ૨૪ કલાક દરમ્યાન બનેલી વિવિધ સેલ્ફ હાર્મની ઘટનાઓમાં ત્રણ યુવાનોએ અંતિમ પગલાં ભરી લેતાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી છે.

ભચાઉ તાલુકાના મનફરા ગામે રહેનાર હર્ષદ કાંતિ દરજી (ઉ.વ.૨૬) નામના યુવાને ગળે ફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો, મેઘપર બોરીચીની સોસાયટીમાં રહેનાર વિકાસ અશોક પરમાર (ઉ.વ.૩૨) નામના યુવાને જીવન ટૂંકાવી લીધું હતું, જયારે નેત્રા ગામમાં પ્રતીક જોશી (ઉ.વ.૨૫) નામના યુવાને પણ કોઈ અજ્ઞાત કારણે ગળેફાંસો ખાઈ પોતાનું મહામૂલું જીવન ટુંકાવ્યું હતું.

મનફરાના ગણેશનગર વિસ્તારમાં રહેનારા હર્ષદે પોતાના ઘરે હિંચકાના હૂંકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. દરજીકામ કરનારા આ પરિણીત યુવાને શા માટે આ અંતિમ પગલું ભરી લીધું તે જાણવા ભચાઉના પી.એસ.આઇ. જે.જે. ત્રિવેદીએ તપાસ હાથ ધરી છે. આપઘાતનો વધુ એક બનાવ મેઘપર બોરીચીની સોસોયટીમાં બન્યો હતો. અહીં રહેનાર વિકાસ પરમારે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ પોતાનું આયખું ટૂંકાવી લેતાં પોલીસે છાનબીન શરૂ કરી છે. આ પ્રકારનો ત્રીજો બનાવ નખત્રાણાના નેત્રા ગામ મધ્યે બનવા પામ્યો હતો જેમાં અહીં રહેતા પ્રતીક જોશી નામના યુવાને કોઈ અકળ કારણોસર પંખામાં કાપડના પટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. નખત્રાણા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આ યુવાને કયા કારણે અંતિમ પગલું ભર્યું તે જાણવા સહિતની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો…અમદાવાદ જેવી ઘટના મુંબઈમાંઃ આ કારણે CA યુવાને કરી આત્મહત્યા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button