મહાદેવ બેટિંગના ઓનલાઈન સટ્ટા નેટવર્કની ઝડપી તપાસ માટે સીટની રચના

ભુજ: ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા મહાદેવ બેટિંગને નામે દેશમાં ચાલતા ઓનલાઈન સટ્ટાના મોટા નેટવર્કના મહત્વના સાથીદારની કચ્છ બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમની ટુકડીએ એક ખાસ ઓપરેશન પાર પાડીને પાટણથી ઝડપી લીધો છે. ત્યારબાદ સાંયોગિક પૂરાવાની થયેલી તપાસમાં દુબઈથી ભરતે સૌરભ ચંદ્રાકર સહિતના અન્ય પાંચ સાથીદારો સાથે મળીને માત્ર એક જ વર્ષમાં બેટિંગ દ્વારા ૫૨૦૦ કરોડથી વધુનું ટર્નઓવર કર્યું હોવાનું તપાસમાં ખૂલ્યું છે.
સાયબર ક્રાઇમ દ્વારા પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ભરત ચૌધરી સહિત કુલ છ આરોપીઓ સામે જુગાર ધારા કલમ 12, ભારતીય ન્યાય સંહિતા કલમ 61 અને આઈ.ટી. એક્ટ હેઠળ એફઆઇઆર નોંધાવી છે. અદાલતે આરોપીના 1 લી ઑગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં છે. આરોપી ભરત મૂળ રાધનપુર તાલુકાના કમાલપુર ગામનો વતની છે અને તે અમદાવાદના ગોતા ચાર રસ્તા વિસ્તારમાં રહેઠાણ પણ ધરાવે છે.
ભરત છેલ્લાં લાંબા સમયથી દુબઈમાં રહીને સૌરભ ચંદ્રાકર સહિતના ભાગીદારો સાથે મળીને આ સટ્ટા નેટવર્ક ચલાવતો હતો. તેના મોબાઇલમાંથી ક્રિકેટ મેચો પર રમાડાતાં સટ્ટા ઉપરાંત એક દેશમાંથી બીજા દેશમાં કરેલા હવાલા ટ્રાન્ઝેક્શન્સ પણ મળી આવ્યાં છે.
આ પણ વાંચો: મહાદેવ બેટિંગ એપ્પના આરોપીને કચ્છ બોર્ડર રેન્જ પોલીસે પાટણથી ઝડપ્યો
આરોપી તેના સાથીદારો સાથે મળીને દુબઈમાંથી કેનેડામાં ચાલી રહેલી એક ગ્લોબલ ટી-૨૦ની ક્રિકેટ મેચો પર ઓનલાઈન સટ્ટો રમાડતો હોવાની બાતમી ભુજ સાયબર ક્રાઇમને મળી હતી. આરોપી ભરત તેના સાથીદારો સાથે મળીને વોટ્સએપ પર ઓનલાઈન સોફ્ટવેરની લિંક મોકલીને તે ડાઉનલોડ કરાવ્યાં બાદ આઈડી પાસવર્ડ સેન્ડ કરતાં. સટોડિયાઓ એપમાં લોગ ઈન થઈને પૈસા લગાડતાં અને નાણાકીય વ્યવહારો પણ આ એપ મારફતે જ થતાં.
પોલીસ ભરતના કબ્જામાંથી 15 લાખની કાર અને 30 હજારનો મોબાઈલ જપ્ત કર્યા છે. પોલીસ તપાસમાં અમદાવાદમાં રજીસ્ટર થયેલી જીસીટી સોફ્ટવેર સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ અને દુબઈની યુજીસી વર્લ્ડ ટ્રેડિંગ, આશુ ટેકનોલોજી એલએલસીનાં સર્વર દ્વારા આઈ.ડી.ધારકને મહિનાનાં ભાડા પેટે રૂપિયાની ચૂકવણી થતી હોવાનું બહાર આવ્યું છે.
દરમ્યાન, અટકમાં લેવાયેલા ભરતની પૂછપરછ અને મળેલાં સાંયોગિક પૂરાવાના આધારે સમગ્ર સટ્ટા બેટીંગ નેટવર્કનો વ્યાપ વિશાળ હોઈ કચ્છ રેન્જ આઈ.જી ચિરાગ કોરડીયાએ ઝડપી અને સઘન તપાસ માટે નખત્રાણાના ડીવાયએસપી બી.બી. ભગોરાની અધ્યક્ષતામાં બે પી.આઈ અને બે પી.એસ.આઈની ખાસ તપાસ ટૂકડીની રચના કરી છે.
જેમાં બોર્ડર રેન્જ પીઆઈ એલ.પી. બોડાણા, રીડર પીઆઈ ટી.આર. ચૌધરી, પીએસઆઈ યુવરાજસિંહ ગોહિલ અને બનાસકાંઠા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ટી.આર. મોરડીયાનો સમાવેશ કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.