ત્રણ વર્ષ બાદ ફરી દેખાયું કચ્છનું વિરલ પક્ષી વનઘોડો, પક્ષીપ્રેમીઓ રોમાંચિત | મુંબઈ સમાચાર
ભુજ

ત્રણ વર્ષ બાદ ફરી દેખાયું કચ્છનું વિરલ પક્ષી વનઘોડો, પક્ષીપ્રેમીઓ રોમાંચિત

ભુજ: આગવી વન્યજીવ સૃષ્ટિ ધરાવતું ભાતીગળ કચ્છ પક્ષીઓ માટે જાણે સ્વર્ગ સમાન છે. આ રણપ્રદેશમાં ખાસ કરીને શિયાળા દરમ્યાન અનેક દુર્લભ પક્ષીઓ જોવા મળી જાય છે, તાજેતરમાં ભુજની નજીક આવેલા કાંટાળા જંગલ વિસ્તારમાં વનદિવાળી ઘોડા તરીકે ઓળખાતું યાયાવાર પક્ષી જોવા મળ્યું છે. વનદિવાળી ઘોડો પક્ષી ( Forest Wagtail )સામાન્ય રીતે જંગલોમાં શિયાળુ પ્રવાસી પંખી તરીકે વિચરે છે.

આ પક્ષી ઉપરના ભાગે લિલાશ પડતા બદામી,તેની આંખો સફેદ હોય છે,જ્યારે પાંખો પર કાળાશ પડતા બદામી રંગનાં ધબ્બા અને તેમાં બે પીડચટ્ટા મોટા પટ્ટા, કેડ અને ઢીંઢાનો ભાગ કાળાશ પડતો બદામી હોય છે,તો પૂંછડી પર ઘેરી બદામી અને તેની બીજી બાજુની સફેદ ધાર હોય છે. ગળા નીચે કાળાશ પડતો પટ્ટો અને પડખાંમાં છાતી તરફ આવતા બદામી અડધા પટ્ટા, વનદિવાળી ઘોડાને પૂંછડી ડાબી-જમણી તરફ હલાવવાની ટેવ હોય છે.

આ પંખી ગીરના જંગલ, ડાંગના જંગલ તથા જામનગરમાં જોવા મળે છે, સ્વ. ડો. સાલીમઅલીના અંગ્રેજી પુસ્તક ‘કચ્છના પક્ષીઓ’ (૧૯૪૫)માં આ પક્ષી કચ્છમા જોવા મળેલા નથી તેમ નોંધ્યું હતું પરંતુ કચ્છ રાજપરિવારના સ્વ.હિંમતસિંહજીએ આ પક્ષીને તા. જાન્યુઆરી, ૧૯૬૭ ના તેમની ભુજની જ્યુબિલી ગ્રાઉન્ડની વાડીમાં જોયું હતું અને ત્યારબાદ તેઓએ તા. ડિસેમ્બર, ૧૯૬૯ના કાઠડા ખાતેના પ્રસિદ્ધ વિજયવિલાસ પેલેસના બગીચામાં નોંધ્યું હતું. આ ઉપરાંત વર્ષ ૨૦૧૬ના ફેબ્રુઆરીમાં, નવેમ્બર ૨૦૨૨માં આ રૂપકડું પક્ષી ભુજ પાસે દેખાયું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button