રાજકોટથી આવેલા યુવાન સહિત કચ્છમાં અકાળે પાંચના મોત

ભુજઃ રણપ્રદેશ કચ્છમાં અપમૃત્યુની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓનો વણથંભ્યો સિલસિલો યથાવત રહેલો હોય તેમ વીતેલા ૨૪ કલાક દરમ્યાન એક ૧૫ વર્ષના કિશોર સહીત કુલ પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
ત્રણ દિવસ માટે યોજાઈ રહેલા હાજીપીરના ઉર્ષમાં ભાગ લેવા માટે રાજકોટથી આવેલા અમિત અખર બલોચની અસહ્ય ગરમી વચ્ચે અચાનક તબિયત લથડતા સારવાર નસીબ થાય તે પહેલાં જ મૃત્યુ થયું હતું, બંદરીય માંડવી તાલુકાના બિદડામાં ૪૮ વર્ષીય આધેડ રતન વિશ્રામ સંઘારે જ્યારે અંજારમાં ૨૪ વર્ષના કિરણ જીવરાજ નાઈએ ગળે ફાંસો ખાઈ જીવ દઈ દીધા હતા તેમજ નખત્રાણાના દેવપર (યક્ષ)માં ૨૮ વર્ષીય યુવા પરિણીતા રમીલા ભાવેશ ભદ્રુએ ઝેરી દવા ખાઈ આત્મહત્યા કરી હતી. આદિપુરમાં અકસ્માતે પાણીના ખાડામાં ડૂબી જવાથી ૧૫ વર્ષીય કિશોર ભાવેશ પ્રેમા ભીલ (માજીરાણા)નું મૃત્યુ થતા પંથકમાં અરેરાટી વ્યાપી હતી.
આપણ વાંચો: Gujarat Accident: અકસ્માતની પાંચ ઘટનામાં છ લોકોએ જીવ ગુમાવ્યા, જાણો વિગતે…
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના સદર બજારમાં રહેનારો અમિત તેના પરિજનો સાથે સેદ્રાણા સ્થિત હાજીપીરની યાત્રાએ કારમાં આવ્યો હતો.
પીરને સલામ કરી તેઓ પરત ફરી રહ્યા હતા તે દરમ્યાન નખત્રાણા નજીક પહોંચતા અમિતની તબિયત લથડતા પ્રથમ નખત્રાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર, ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફત ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો હતો, પરંતુ એમ્બ્યુલન્સ ભુજ પહોંચે તે પહેલાં સુખપર પાસે તેણે દમ તોડી દીધો હતો.
આપણ વાંચો: અકસ્માતમાં રાહદારીએ જીવ ગુમાવ્યાના સાડાછ વર્ષે અંધેરી પોલીસે ગુનો નોંધ્યો!
બીજી તરફ, માંડવી તાલુકાના બિદડા ગામના મફત નગરમાં રહેતા રતન સંઘારે ગત રાત્રીના અરસામાં અગમ્ય કારણોસર પોતાના રૂમમાં લોખંડના એંગલમાં લુંગી વડે ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ દઈ દીધો હતો.
કોડાય પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકારનો બીજો બનાવ નખત્રાણા તાલુકા દેવપર યક્ષ ખાતે બહાર આવ્યો હતો જેમાં રમીલા ભદ્રુ નામની પરિણીતાએ કોઈ અકળ કારણે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેતાં નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આપઘાતનો વધુ એક કિસ્સો અંજાર શહેરના ગંગાનાકા વિસ્તારમાં સામે આવ્યો હતો જેમાં દુકાન નં. ૧૧માં કામ કરતા કિરણ નામના યુવકે ગત રાત્રે અજ્ઞાત કારણોસર ગળે ફાંસો ખાઈ અનંતની વાટ પકડી લીધી હતી. હતભાગીએ કયાં કારણોસર અંતિમ પગલુ ભરી લીધુ હશે તે જાણવા પોલીસે વધુ તપાસ આરંભી છે.
દરમ્યાન, આદિપુરમાં ડી.પી.એસ સ્કૂલ પાછળના પાણીના ઊંડા ખાડામાંથી ભાવેશ નામના કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. ભાવેશનો મિસિંગ રિપોર્ટ પરિવાર દ્વારા નોંધાવાઇ હતી એ વચ્ચે તેની લાશ ખાડામાંથી મળી આવતાં પોલીસ દ્વારા બનાવની વધુ છાનબીન હાથ ધરાઈ છે.