ધીમે-ધીમે અતિવૃષ્ટિ તરફ ધકેલાતું કચ્છ: સંખ્યાબંધ ગામો બન્યાં સંપર્કવિહોણા | મુંબઈ સમાચાર
ભુજ

ધીમે-ધીમે અતિવૃષ્ટિ તરફ ધકેલાતું કચ્છ: સંખ્યાબંધ ગામો બન્યાં સંપર્કવિહોણા

ભુજ: વરસાદના રેડ એલર્ટ વચ્ચે કચ્છમાં રવિવારની મધ્યરાત્રીથી ઠેર-ઠેર થઇ અનરાધાર વરસાદ શરુ થયો હતો, સતત વરસી રહેલા વરસાદને કારણે કચ્છમાં હવે ધીમે-ધીમે અતિવૃષ્ટિ થવાનો ભય ઉભો થઇ રહ્યો છે. ભારે વરસાદને પગલે નખત્રાણા તાલુકાનો મથલ ડેમમાં 90 ટકા ભરાઈ ગયો છે, જેને કારણે આસપાસના ફુલાય,મારું,જીંજાય અને ધામાય ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત પૂર્વ કચ્છના રાપર તાલુકામાં ભારે વરસાદ થતાં ફતેહગઢ મધ્યમ કક્ષાની સિંચાઈ યોજના પણ છલકાઈ જવાને કારણે તેની હેઠવાસમાં આવતા ગેડી અને ફતેહગઢ ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. સૂવઈ ડેમની હેઠવાસમાં આવતા ગૌરી પાર, સૂવઈ,જેસડા અને વણોઇ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ભુજ તાલુકાના કાયલા ડેમની હેઠવાસમાં આવતા ઝુરા, ઝુરા કેમ્પ, જતા વાંઢ , લોરિયા, કારાઘોઘા ડેમની હેઠવાસમાં આવતા બરાયા, સમાઘોઘા, બોરાણા ગામના લોકોને, આ ઉપરાંત અબડાસા તાલુકાના કંકાવટી, બેરાચીયા અને મિટ્ટી ડેમની હેઠવાસમાં આવેલા હાજાપર, મિયાણી, નુંધાતડ, વિંઝાણ, ત્રંબૌ, રામપર, છાસરા, વડાસરા, કોરવાળી વાંઢ, બીટીયારી, ભાચુંડા તેમજ માંડવી તાલુકાના ડોણ ગામના ડેમની હેઠવાસના ગામોને પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

રોડને ભારે નુકસાન:

આ ઉપરાંત ભારે વરસાદને પગલે કચ્છમાં સંખ્યાબંધ રસ્તાઓ પ્રભાવિત થતાં સેંકડો ગામોમાં વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે, જેને કારણે સંખ્યાબંધ ગામો સંપર્કવિહોણા બન્યાં છે. ખાસ કરીને આ રસ્તાઓમાં રાપર તાલુકાના ત્રંબૌ,જેસડા અને રવેચી માર્ગ, રાપર તાલુકાના જ ભચાઉ-રામવાવ માર્ગ, સૂવઈ-ગવરીપર માર્ગ અને ભચાઉ તાલુકાનો વામકા-કરમરીયા માર્ગ, જયારે ગાંધીધામ તાલુકામાં સતાપર,હાજાપર, અજાપર,મોદવદર, મીઠીરોહર માર્ગ, જયારે ભુજ તાલુકાના તુંગા-ઝૂણા માર્ગનો સમાવેશ થાય છે.

ક્યા કેટલો વરસાદ?

ઉલ્લેખનીય છે કે, ચાલુ ચોમાસાં દરમ્યાન કચ્છમાં અત્યાર સુધી 20 ઇંચથી 40 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાઈ ચુક્યો છે. મોસમના કુલ વરસાદની બાબતમાં વાગડ સૌથી આગળ છે અને રાપર તાલુકામાં લગભગ 40 ઇંચ જેટલો વરસાદ, ગાંધીધામમાં 30 ઇંચ, મુંદરા-માંડવીમાં 25થી 30ઇંચ, ભચાઉમાં 25 ઇંચ, ભુજમાં 25 ઇંચ, લખપતમાં 20 ઇંચ, જયારે અબડાસામાં સૌથી ઓછો 15 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ભુજમાં 25 ઇંચથી વધારે વરસાદ થઇ ગયો હોવા છતાં હજી ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ છલકાયું નથી અને સરોવર ઓવરફલો થવામાં હજુ અઢી ફુટ બાકી છે.

દરમ્યાન, કચ્છમાં વરસી રહેલા વરસાદને પગલે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે, સતત થઇ રહેલા વરસાદથી સામાન્ય જનજીવન ગંભીર અસર થઇ છે.

આ પણ વાંચો…કચ્છમાં અપાયું રેડ એલર્ટ: વહીવટી તંત્રએ લોકોને આપી ચેતવણી

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button