કચ્છના ખાવડામાં અનુભવાયા ભૂકંપના આંચકા, 24 કિમી દૂર કેન્દ્રબિંદુએ 2.7ની તીવ્રતા નોંધાઈ
ભૂકંપના આંચકા અનુભવાતા મકાનોના બારી-બારણા ખખડી ઉઠતાં લોકો ભયભીત થઈ ઘરની બહાર દોડી આવ્યા

ભુજઃ ભૂકંપ માટે અતિ સંવેદનશીલ વિસ્તાર એવા કચ્છની બે દાયકાથી અશાંત બનેલી ધરા ફરી ધણધણી ઉઠી હતી. સીમાવર્તી ખવડાથી 24 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ધરાવતો 2.7ની તીવ્રતાનો ધરતીકંપનો વધુ એક આંચકો રેક્ટર સ્કેલ પર નોંધાતા કેંદ્રબિન્દુની આસપાસના ગામોમાં આંચકા આવ્યાં હતા. આ ગામોમાં અનેક મકાનોના બારી અને બારણા ધ્રુજી ઉઠ્યા હતા. શુક્રવારની મધ્યરાત્રીના 02:40 કલાકે ઉદભવેલા આંચકાના પગલે આસપાસના ગામોમાં વિશેષ અસર જોવા મળી હતી. ભૂંકપના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
ડરી ગયા લોકોએ સત્વરે ઘરની બહાર દોટ મૂકી
મળતી જાણકારી પ્રમામે ગાંધીનગર સ્થિત સિસમોગ્રાફી કચેરી ખાતે ભૂકંપની તીવ્રતા 2.7 નોંધાઈ હતી. ભૂકંપ ઝોન-5માં આવતા સરહદી કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા આવતા રહે છે. સિસ્મોગ્રાફી મશીન દ્વારા આ આંચકાઓ અંકિત કરવામાં આવે છે. જો કે, આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર મળ્યા નથી. ભૂકંપના આંચકા આવતા ઘરોના બારી તથા બારણા ખખડ્યા હતાં. જેથી કેટલાક નિંદ્રાધીન લોકો જાગ્યા અને ડરી ગયા હોવાથી ઘરની બહાર દોટ મૂકી હતી.
ભયાનક ધરતીકંપને બે દાયકા જેટલો સમય વીતી ચુક્યો
નોંધનીય છે કે, કચ્છને તબાહ કરનારા ભયાનક ધરતીકંપને બે દાયકા જેટલો સમય વીતી ચુક્યો છે ત્યારે હાઇપર એક્ટિવ થયેલી ભૂ-હલચલથી લોકોના માનસપટ પર અંકિત થઇ ગયેલી ભયાનક ભૂકંપની વરવી યાદો ફરી જીવંત થઇ ઉઠી છે. અત્યારે આમ તો માત્ર 2.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, છતાં લોકો ડરી ગયા અને ઘરની બહાર દોડી આવ્યાં હતા. આ પહેલા પણ 7 તારીખે પણ ખાવડાથી 60 કિલોમીટર દૂર આંતરરાષ્ટ્રીય સરહદ નજીક 2.5ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.



