ભુજ

કચ્છ સરહદ પર BSF જવાનો માટે હરામીનાળા સુધી પહોંચશે પીવાનું પાણી

ભુજઃ નાપાક પાકિસ્તાનને અડકીને આવેલી સીમાવર્તી કચ્છના અફાટ રણ વિસ્તારમાં કપરી પરિસ્થિતિઓ વચ્ચે દેશની સંવેદનશીલ સરહદનું રાઉન્ડ ધી ક્લોક રખોપું કરતાં સરહદી સલામતી દળના જવાનો અર્થે હરામીનાળાં જી. પિલર ૧૧૭૫ સુધી પીવાનું પાણી પહોંચાડવા માટે મહત્વના પ્રકલ્પને બનાવવા કવાયત હાથ ધરાઈ રહી છે.

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા લખપત હેડકવાર્ટરથી ત્રિમૂર્તિ સમ્પ હરામીનાળાં, ૧૧૭૫ જી. પિલર બી.ઓ.પી. ખાતે અન્ડર ગ્રાઉન્ડ સમ્પ, પમ્પ હાઉસ, પમ્પિંગ મશીનરી, અન્ડર ગ્રાઉન્ડ પી.વી.સી. લાઈનો માટે પ્રારંભિક તબક્કામાં ત્રણ કરોડની રકમ સરકાર દ્વારા મંજૂર કરાઈ છે અને આ પ્રકલ્પ પૂર્ણ થવાનો સમયગાળો બે વર્ષ જેટલો નિયત કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ મહત્વાકાંક્ષી પ્રકલ્પ અંગે માહિતી આપતાં પાણી પુરવઠા બોર્ડના મદદનીશ ઈજનેર એન.બી.ચોધરીએ જણાવ્યું હતું કે, સરહદોનું રખોપુ કરી રહેલા જવાનોની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટેના આ પ્રોજેક્ટ માટે ફાળવેલાં ત્રણ કરોડના કામ અંતર્ગત ટૂંક સમયમાં ટેન્ડર બહાર પડશે.

લખપત સમ્પથી હરામીનાળાં જી. પિલર ચોકી સુધીની ૩૫ કિલોમીટર લાંબી પાઇપ લાઈન રસ્તાની સમાંતરે નખાશે. ૧૦-૧૦ કિ.મી.ના વિસ્તારમાં પાંચ-પાંચ લાખ લિટર ક્ષમતાવાળા અન્ડરગ્રાઉન્ડ સમ્પ રખાશે. રણ વિસ્તારમાં હાથ ધરનારું આ કામ અત્યંત કઠિન છે, પરંતુ અહીં બનનારા નવા રસ્તાની એક સાઈડના પથ્થર પેચિંગમાં ૯૦,૧૧૦,૧૪૦ના વ્યાસ ધરાવતી પાણીની લાઈનો નાખવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો….વાંધાજનક સોશિયલ મીડિયા પોસ્ટ બદલ કચ્છમાં એક સામે ગુનો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button