કચ્છમાં બેવડીઋતુનો કહેરઃ દિવસ અને રાતના તપામાન વચ્ચે આટલો તફાવત…

ભુજઃ રાત્રિથી વહેલી સવાર દરમ્યાન પડી રહેલી ગુલાબી ઠંડી પણ ધીરે ધીરે ઓછી થઇ રહી હોઈ, લોકો પંખા ચાલુ કરવા મજબુર બન્યા છે, માર્ગો રાત્રી દરમ્યાન થતી ઝાકળવર્ષાથી ભીના થઇ જાય છે જયારે દસ વાગ્યા બાદ આકરા તડકા સાથે મહત્તમ તાપમાનનો આંક ૩૪થી ૩૭ ડિગ્રી સે.પર પહોંચી જતાં અંત ભણી આગળ ધપી રહેલા ફાગણ મહિનામાં ચૈત્ર માસ જેવી બપોરના ભાગે પડતી તીખી ગરમીએ જનજીવનને અકળાવવાનું શરૂ કર્યું છે.
આ પણ વાંચો:કચ્છમાં ‘એઠવાડ’નો થાય છે સદુપયોગ; યુવાનોની ખાસ ટુકડી કરે છે એકઠો….
રાજનગર ભુજમાં લઘુતમ ૨૦ અને મહત્તમ ૩૬ ડિગ્રી સે.ના ઉષ્ણતામાન સાથે ૧૬ ડિગ્રીનો તફાવત રહેવા પામતાં શહેરીજનો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે, જયારે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે પણ દિવસ-રાતના તાપમાનમાં ૧૯ ડિગ્રી જેટલો તફાવત રહેવાની સાથે ૧૬ ડિગ્રીએ રાજ્યનું ઠંડું મથક બન્યું હતું. કંડલા બંદરમાં ૩૪ ડિગ્રી મહત્તમ તાપમાન રહેતાં આસપાસના ગાંધીધામ,અંજાર આદિપુરમાં આંશિક ગરમીની આણ યથાવત રહી હતી.
સૂર્યાસ્ત બાદ કચ્છના મોટા ભાગના મથકોમાં લઘુતમ તાપમાનનો આંક ૨૦ ડિગ્રીની આસપાસ રહેતાં દિવસે ગરમી રાત્રે ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે.
આ પણ વાંચો: બેફામ વાહનો ચલાવતાનો ભોગ માણસ જ નહીં, મૂંગા જીવો પણ બને છેઃ જાણો કચ્છની ઘટના
પ્રોલોન્ગ રહેલા આ પ્રકારના વિચિત્ર વાતાવરણને કારણે નાના બાળકો અને વૃધ્ધોની તબિયત પર વિપરીત અસર પહોંચી રહી છે અને શરદી-કફ ઉધરસ,પેટજન્ય બીમારીઓના કેસોમાં વ્યાપક ઉછાળો આવ્યો છે તેમ શહેરના જાણીતા તબીબ ડો.પ્રિતેશ સોનીએ જણાવ્યું હતું. દરમ્યાન,સમગ્ર રાજ્યમાં આગામી સપ્તાહ સુધી મિશ્ર વાતાવરણ રહેશે તેવો વર્તારો હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે.