કચ્છની મહિલાએ ઓનલાઈન ફ્રોડમાં ગુમાવેલા નાણાં સાયબર સેલે પાછા તો અપાવ્યા પણ..
ભુજઃ ભયાનક મોંઘવારીના અત્યારે ચાલી રહેલા કપરા સમયમાં આવક વધારવા માટે લોકો નોકરી ઉપરાંત અન્ય આર્થિક ઉપાર્જન માટેના વિકલ્પો શોધતા રહેતા હોય છે તેવામાં ભુજ તાલુકાના કેરા ગામની મહિલા સાથે ઘેરબેઠા કામ કરવાની લાલચ આપી વિવિધ સ્કીમોના નામે રૂા.૧,૫૩,૬૬૪ની ઓનલાઇન ઠગાઇ આચરી હતી, જો કે, સાયબર ક્રાઇમ સેલે મદદરૂપ બની પૂરેપૂરી રકમ ફ્રીઝ કરાવી રૂા.૫૮,૫૭૦ પરત અપાવ્યા હતા.
શું જણાવ્યું અધિકારીએ
આ અંગે સાયબર ક્રાઇમ સેલ (એલસીબી)ના પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ કેરાના તુલસીબેનને અજાણી મેઇલ આઇડી પરથી `ઘેરબેઠા કામ કરો અને રૂપિયા કમાવો’ એવો ઇ-મેઇલ આવ્યો હતો. તુલસીબેને રીપ્લાય કરતાં સામેવાળાએ જણાવ્યું કે, પહેલાં ૩૦૦૦ રૂપિયા પ્રોસેસિંગ ફી ભરવી પડશે. અરજદારે ભરતાં વધારે રૂપિયા કમાવાની લલચામણી સ્કીમ અંગે માહિતી આપી હતી. તુલસીબેને ઠગના કહેવા પ્રમાણે અલગ-અલગ ટ્રાન્જેક્શન કરી રૂા. ૧,૫૩,૬૬૪ ચૂકવી દીધા હતા.
આપણ વાંચો: ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની પ્રશંસનીય કામગીરી; એક વર્ષમાં આટલા કરોડ રિકવર કર્યા
ઈ-મેઈલ આવતા બંધ થઇ જતા પોતાની સાથે ઓનલાઇન સ્કેમ થયાનું ધ્યાને આવતાં તુરત જ સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતાં સેલે આ મહિલાને મદદરૂપ બની ટેકનિકલ રિસોર્સ તથા બેન્કો સાથે પત્રવ્યવહાર કરી ગયેલી રકમ ફ્રીઝ કરાવી હતી અને તેમાંથી રૂા.૫૮,૫૭૦ અરજદારના ખાતામાં પરત અપાવ્યા હતા. બાકીના નાણાંને ટ્રેસ કરવાની કામગીરી હજુ ચાલુ હોવાનું પ્રવક્તાએ ઉમેર્યું હતું.