મુંદ્રા પોર્ટથી કસ્ટમ્સ વિભાગે જપ્ત કર્યો 110 કરોડનો પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો

ભુજ: કસ્ટમ વિભાગે મુંદ્રા અદાણી બંદરેથી આફ્રિકન દેશોમાં નિકાસ માટે જઈ રહેલાં બે શંકાસ્પદ કન્ટેઈનરોમાંથી 110 કરોડના મૂલ્યની ટ્રામાડોલ ટેબ્લેટ એટલે કે અફીણમાંથી બનતી ગોળીનો જથ્થો જપ્ત કરતાં ચકચાર પ્રસરી જવા પામી છે. કસ્ટમ વિભાગને મળેલી બાતમીના આધારે રાજકોટ સ્થિત વેપારી નિકાસકારના આફ્રિકા તરફ જવા નીકળેલા બે કન્ટેનરોને અટકાવ્યા હતા અને નિષ્ણાતોને સાથે રાખી હાથ ધરાયેલી તપાસમાં આ દવાઓ ભરેલાં કન્ટેઈનર જપ્ત કરી લીધા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર પૂર્વ બાતમીના આધારે મુંદ્રા કસ્ટમ્સના સ્પેશ્યલ ઈન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ (એસઆઇઆઇબી)ની ટુકડીએ રાજકોટ સ્થિત વેપારી નિકાસકારના આફ્રિકા તરફ જવા નીકળેલા બે કન્ટેનરોને અટકાવ્યા હતા અને નિષ્ણાતોને સાથે રાખી હાથ ધરાયેલી તપાસમાં આ દવાઓ ભરેલાં કન્ટેઈનર જપ્ત કરી લીધા હતા.
આ બે કન્ટેઈનરમાંથી ૨૫ મિલિગ્રામની એક ટેબ્લેટની કુલ ૬૮ લાખ ટેબ્લેટ જપ્ત કરાઈ છે.રાજકોટની પેઢી દ્વારા ડાઈક્લોફેનેક ટેબ્લેટ અને જેબેડોલ ટેબ્લેટની આડમાં ટ્રામાડોલની ગોળીઓ આફ્રિકાના સીએરા લીઓન અને નાઈજર દેશમાં નિકાસ કરાતી હતી તેમ આ કાર્યવાહી સાથે જોડાયેલા તપાસકર્તાએ જણાવ્યું હતું.
કસ્ટમ્સ વિભાગને કન્ટેઈનરોની પાછળથી ટ્રામાકિંગ 225 અને રોયલ 225 નામની કંપનીની ટ્રામાડોલની ટેબ્લેટનો જથ્થો મળી આવ્યો હતો.
આ પણ વાંચો: Adani પોર્ટ્સની સુપ્રીમ કોર્ટમા જીત, મુંદ્રા જમીન મામલે ગુજરાત હાઇકોર્ટના આદેશ પર સ્ટે
નોંધનીય છે કે, ટ્રામાડોલ ટેબ્લેટનું વર્ગીકરણ ઓપીઓઈડ ડ્રગ્ઝ તરીકે કરાયેલું છે અને આ દવા અફીણમાંથી બને છે. સામાન્ય રીતે આ દવા શરીરમાં તીવ્ર દુઃખાવો કે પીડા થતી હોય ત્યારે કામચલાઉ ધોરણે અસહ્ય પીડામાંથી છુટકારો આપવા દર્દીને અપાય છે. આ દવા મગજની સેન્ટ્રલ નર્વ્ઝ સિસ્ટમ પર સીધી અસર કરે છે.
માદક દ્રવ્યોની હેરાફેરી, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ મૂકતાં નાર્કોટિક્સ ડ્રગ્ઝ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીઝ એક્ટ 1985 અંતર્ગત એપ્રિલ 2018થી આ દવાની ભારતમાં આયાત નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયેલો છે.
મુંદરાના પ્રિન્સીપલ કમિશનર કેશવન એન્જિનિયરે આ અંગે જણાવ્યું હતું કે, ટ્રામાડોલની દવા લેવાથી કલાકો સુધી ઊંઘ આવતી નથી તેથી મધ્ય પૂર્વના આતંકી સંગઠન ISIS સાથે જોડાયેલા આતંકીઓ આ ‘ફાઇટર ડ્રગ્સ’નો વ્યાપક ઉપયોગ કરે છે.
આફ્રિકાના નાઈજીરીયા, ઘાના વગેરે જેવા દેશોમાં સિન્થેટીક (રસાયણોના સંયોજનોથી બનાવેલી કૃત્રિમ દવા) ટ્રામાડોલની ખૂબ ઊંચી માંગ છે. મુંદરા કસ્ટમ્સ રાજકોટ ઉપરાંત ગાંધીધામ અને ગાંધીનગરમાં પણ આ કેસ સંદર્ભે દરોડા પાડી તપાસ હાથ ધરી છે.