ભુજ

પતિ સાથે આડા સંબંધોની શંકામાં સાસુએ વહુ પર કર્યો હતો હુમલો, કોર્ટે આપ્યો ફેંસલો

ભુજઃ પુત્રવધૂને પતિ સાથે આડા સંબંધો હોવાના શકમાં સાસુએ વહુને મારી નીખવાની કોશિશ કરી હતી. આ કેસમાં અગાઉ દિયર, પતિ, સસરા વહુ સાથે હતા, પરંતુ પછીથી ફરી ગયા હતા. જોકે વહુ ટસથી મસ ન થતાં અને પોતાના નિવેદન પર અડગ રહેતા અંતે કોર્ટે સાસુને સજા આપવાનો ચુકાદો આપ્યો હતો. વર્ષ 2023નો આ ચકચારી કેસ સમાજમાં પ્રવર્તતી ઘણી પારિવારિક સમસ્યાને પણ છત્તી કરે છે.

આ ચકચારી કેસમાં નજીકના આરોપીને (પત્ની અને મા) બચાવવા ખુદ પતિ, સસરા અને દિયર વગેરે તેમની જુબાનીમાંથી ફરી ગયાં હતાં પરંતુ વહુએ અડગ રહીને આપેલી સમર્થનકારી જુબાનીને નિર્ણાયક માનીને કૉર્ટે સાસુને સજા ફટકારી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પુત્રવધુની હત્યાના પ્રયાસનો બનાવ ગત ૧૩-૦૧-૨૦૨૩ની ભાંગતી રાત્રે પોણા ચાર વાગ્યે બન્યો હતો. ભુજ તાલુકાના કેરા ગામે રહેનારી અનિતા દેવરાજ સથવારા ઘરમાં તેનાં પુત્ર, દિયર વગેરે સાથે નિંદ્રાધીન હતી. તેણીનો પતિ અને સસરા નાળિયેર વેચવા માટે છકડો લઈને રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં ભુજ જવા નીકળ્યા હતા.

સૌ નિંદ્રાધીન હતાં ત્યારે એકાએક સાસુ મંજુલા સથવારા (ઉ.વ.૪૪)એ અનિતાના ગળા પર છરી વડે આડેધડ ઘા મારવાનું શરૂ કરી દીધું હતું. અનિતાની રાડારાડ સાંભળીને ઘરમાં સૂતેલાં સૌ સભ્યો જાગી ગયા અને અનિતાના દિયર દિનેશે માતાના હાથમાં રહેલી છરી ઝૂંટવી લેવા પ્રયાસ પણ કર્યો પરંતુ માતા છરી લઈને જતી રહેલી. અનિતાને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી.

આ પણ વાંચો: કચ્છની ખાનગી હૉસ્પિટલમાં યુવતીનું દવાના રિએક્શનથી મોત થતા ખળભળાટ

બનાવ અંગે દિયર દિનેશે માનકૂવા પોલીસ મથકે માતા મંજુલા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, ભાભીને મારા પિતા સાથે આડા સંબંધ હોવાની શંકામાં માતાએ તેના પર છરીથી હુમલો કર્યો હતો. આ મુદ્દે સાસુ-વહુ વચ્ચે અગાઉ પણ અવારનવાર ઝઘડા થતાં રહેતાં હતાં.

રાજ્યસ્તરે ચર્ચામાં આવેલા આ કેસની જ્યારે ટ્રાયલ શરૂ થઈ ત્યારે આરોપી સાસુએ વહુને છરી મારી હોવાનો ઈન્કાર કરી દીધો. અનિતાનો પતિ દેવરાજ ઊર્ફે દેવરામ, દિયર અને કેસનો ફરિયાદી દિનેશ, સસરા રમેશ તેમની જુબાનીમાંથી ફરી ગયાં હતાં. ભોજનમાં મીઠું ઓછું હોવા મુદ્દે સહેજ બોલાચાલી થયેલી અને અનિતા રાત્રે ઠેસ વાગતાં ઘર આગળ પડેલાં ખજુરીના કાંટાળા થડ પર પડતાં તેને ગળામાં ઈજા થઈ હોવાનું કૉર્ટ સમક્ષ જણાવ્યું હતું. રાતના અંધારમાં અનિતાને કોણે છરી મારેલી તે કોઈએ જોયું જ નહોતું તેવું પણ જણાવ્યું હતું.

અલબત્ત, અનિતાએ અડગ રહીને પોતાના પર સાસુએ જ છરી વડે હુમલો કર્યો હોવાનું જણાવીને પોલીસે કબજે કરેલું લોહીવાળું ગોદડું, બનાવ સમયે પોતે પહેરેલાં લુગડાં, છરી વગેરે મુદ્દામાલ ઓળખી બતાવ્યો હતો.

સેશન્સ જજે સુનાવણી સમયે જણાવ્યું હતું કે જુબાનીમાંથી ફરી જનાર લોકો આરોપીના પતિ, પુત્રો હોઈ તે ગુનાને સમર્થનકારી જુબાની ના આપે તે સમજી શકાય તેવી વાત છે. ગુનાનો ભોગ બનનાર વહુની જુબાનીને નિર્ણાયક ગણાવીને કૉર્ટે મંજુલાને હત્યાના પ્રયાસના ગુના બદલ પાંચ વર્ષની સાદી કેદ અને એક હજારનો દંડ ફટકાર્યો છે તેમજ જીપી એક્ટની કલમ ૧૩૫ હેઠળ એક માસની સાદી કેદ ફટકારી હોવાનું કોર્ટરૂમમાં દલીલો કરી તહોમત પુરવાર કરનારા સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ સુરેશ એ.મહેશ્વરીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button