13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીને કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા ફટકારી | મુંબઈ સમાચાર
ભુજ

13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીને કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા ફટકારી

ભુજઃ દીકરીઓ હવે ઘરમાં પણ સુરક્ષિત નથી. પોતાના સગા નાના ભાઈની 13 વર્ષની બાળાને ઊંઘની ગોળીઓ ખવડાવી મોટા બાપુએ દુષ્કર્મનો નીચ પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં ભુજની સેશન્સ કોર્ટે શેરખાન મામદ નોતિયારને 10 વર્ષની સખત કેદ અને 28,000ના દંડની સજા ફટકારી છે. આજના આધુનિક સમાજ માટે શરમજનક એવો આ બનાવ 8મી મે, 2024 ના રોજ બન્યો હતો. ભોગ બનનારી બાળકી અને તેનો ભાઈ, પિતા, દાદી અને મોટા બાપુ એટલે કે કાકા સાથે રહેતા હતા. આ દરમિયાન આરોપીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.

2024માં બની હતી દુષ્કર્મના પ્રયાસની ઘટના

ઘટનાની વાત કરવામાં આવે તો, એકવાર બાળાને તાવ સાથે માથામાં દુઃખાવો થતો હોવાથી આરોપી મોટા બાપુએ તેને ગોળીઓ આપી હતી. ત્યાર બાદ ભોગ બનનારી દીકરીને ઘેન ચડવા લાગ્યું હતું. અર્ધ બેભાન જેવી હાલતમાં રહેલી દીકરીને બાવળની ઝાડીઓમાં લઇ જઈને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જો કે, બાળકીઓ વિરોધ કર્યો એટલે ગભરાઈ ગયેલા મોટા બાપુએ તેને ફરી છકડામાં બેસાડી, મમ્મીના ઘર બહાર ઉતારીને પરત ચાલ્યો ગયો હતો. અર્ધ બેભાન પુત્રીને ત્વરિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર મેળવીને સ્વસ્થ થયેલી બાળકીએ સમગ્ર હકીકત જણાવતાં પરિવારે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આપણ વાંચો:  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ થયો? માછીમારોને 21 જુલાઈ સુધી દરિયો ન ખેડવા ચેતવણી

દંડ નહીં ભરે તો વધુ કેદનો હુકમ પણ કરવામાં આવ્યો

આ કેસમાં તપાસના અંતે અદાલત સમક્ષ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસની સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટમાં 10 દસ્તાવેજી પુરાવા, છ સાક્ષી તપાસીને 35 વર્ષના આરોપીને જુદી જુદી કલમોમાં ગુનેગાર ઠારવીને 10 વર્ષની સખત કેદ તથા 28 હજારનો દંડ ફટકાર્યો છે. જો દંડ નહીં ભરે તો વધુ કેદનો હુકમ પણ કરવામાં આવ્યો છે. આ સાથે પીડિતાના પરિવારને 5,25,000નું વળતર આપવા માટે ડીએલએસએને ભલામણ કરવામાં આવી હતી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button