કચ્છમાં કોરોના વકર્યો: એકજ દિવસમાં છ નવા કેસ એક્ટિવ કેસ પણ વધ્યા | મુંબઈ સમાચાર

કચ્છમાં કોરોના વકર્યો: એકજ દિવસમાં છ નવા કેસ એક્ટિવ કેસ પણ વધ્યા

ભુજઃ વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના નવા JN.1 ,XFG, NB.1.8.1 તેમજ LF.7 નામના ઓમીક્રોનના સંકરાત્મક સબ વેરિયેન્ટના ઝડપી ફેલાવાએ વિશ્વભરમાં ચિંતા ફેલાવી છે એ વચ્ચે કચ્છમાં વીતેલા એક દિવસ દરમ્યાન કોવીડ-૧૯ના એકસામટા નવા છ પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે.

ભારત, ચીન સહીત ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન, સિંગાપોર, કેનેડા, થાઈલેન્ડ અને સ્વીડન સહિતના દેશોમાં કોવીડ-૧૯નાં દૈનિક કેસ અને મૃત્યુના આંકમાં વધારો થયા બાદ, ભારતમાં સફાળી જાગેલી સરકારે તાત્કાલિક પગલાં ભરી ટેસ્ટિંગને વ્યાપક બનાવ્યા બાદ આ રણપ્રદેશમાં પણ નવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. નવા નોંધાયેલા ત્રણ મહિલા અને ત્રણ દર્દીઓને હાલ હોમ આઈસોલેશનમાં રખાયા છે.

રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. કેશવકુમારના જણાવ્યાનુસાર કચ્છમાં અત્યાર સુધી નોંધાયેલા ૨૪ પૈકી માત્ર એક જ કેસમાં દર્દીને હોસ્પિટલ ખસેડવો પડયો છે. એકપણ કેસમાં અતિ ગંભીર જણાય તેવાં લક્ષણ હજુ સુધી દેખાયાં ન હોવાનું તેમણે ઉમેર્યું હતું.

ભુજના જાણીતા તબીબ ડો. પ્રિતેશ સોનીએ જણાવ્યું હતું કે, વાયરલ જિનેટીકમાં પરિવર્તન આવે, ત્યારે કોરોના જેવા અન્ય વાયરલ ફિવર સંક્રમણ વધતું હોય છે. ઘરમાં બેથી વધુ સભ્યોને તાવ-શરદીનાં લક્ષણ દેખાય, તો ત્વરીત પરીક્ષણ કરાવવું હિતાવહ છે. ૨૦૨૧ના ભયાનક કોરોનાકાળ વખતની ગાઈડલાઈનનું પાલન કરવું ,માસ્ક પહેરવું, સતત હાથ ધોતા રહેવું સહિતની તકેદારી નાગરિકોએ રાખવી જોઈએ તેમ ડો.પ્રિતેશ સોનીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

દરમ્યાન, કોરોનાની આ લહેરના ફેલાવાએ ચિંતાજનક સ્તરે ઝડપ વધારી છે. સૌથી ગંભીર પરિસ્થિતિ થાઈલેન્ડની છે, જ્યાં અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ કોવીડ-૧૯ના દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. વળી આ દેશમાં કોરોનાનું એનબી.1.8.1 સ્વરૂપ છે, જે હાલમાં ભારતમાં સક્રિય છે. બેંગ્કોકમાં પણ સ્થિતિ ચિંતાજનક છે અને વૃદ્ધો, બાળકોથી માંડી તમામ આયુવર્ગના લોકો કોરોનાની ઝપટે ચડી રહ્યા છે.

આ પણ વાંચો:ભારતમાં કોરોના કેસોમાં ફરી ઉછાળો: XFG વેરિયન્ટના 163 કેસ, કેરળ સૌથી પ્રભાવિત

Back to top button