ભુજ

કચ્છના બસ-રેલવે સ્ટેશનો પર કોરોનાકાળ જેવા દશ્યોઃ યુદ્ધના ભણકારા વચ્ચે પરપ્રાંતિયો વતન ઉપડ્યા

ભુજઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ પ્રવર્તી રહેલી તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સીમાવર્તી કચ્છના ખાવડા ખાતેના સોલાર એનર્જી પાર્ક, મુંદરા, કંડલા બંદર અને અબડાસા સહિતના સ્થળોએ રોજગારી મેળવવા આવેલા પરપ્રાંતિય નાગરિકોમાં, આ સરહદી વિસ્તાર પર યુદ્ધ દરમ્યાન પાકિસ્તાને વિસ્ફોટક પદાર્થોથી લેસ ડ્રોન-મિસાઈલ વડે અગિયારથી વધારે વાર હુમલાનો નિષ્ફ્ળ પ્રયાસ કર્યા બાદ ગભરાટ ફેલાતા આ શ્રમિકોએ કચ્છમાંથી પલાયન શરૂ કરી દીધું છે.
ભુજના મોડેલ રેલ્વે સ્ટેશન અને બસ પોર્ટ પર છેલ્લા બે-ત્રણ દિવસથી શ્રમિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે અને પ્લેટફોર્મ કે ટ્રેનોમાં પગ મુકવાની પણ જગ્યા રહેતી નથી.

રેલવે સ્ટેશનો પર કોરોનાકાળ જેવા દૃશ્યો

આ રેલવે મથકની મુલાકાત લેતાં રાજધાની દિલ્હી માટેની બરેલી ટ્રેનના તમામ કોચ હાઉસ ફૂલ અને લોકલ ડબ્બામાં શૌચાલય અને કોચના સાંકડા પગથીયાઓ સુધી ફફડેલા પરપ્રાંતીયો બેઠેલા જોવા મળતાં કોરોના વખતે જે રીતે આવા શ્રમિકોની હિજરત જોવા મળી હતી એ દ્રશ્યોની યાદ માનસપટ પર તાજી થઇ ગઈ હતી.

માયાનગરી મુંબઈને કચ્છ સાથે જોડનારી કચ્છ એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ પર આવતાં વેંત પરપ્રાંતીયો ક્ષણવારમાં અંદર ઘુસી જતાં કોચમાં જવાની પણ જગ્યા ન હતી. સીઝફાયરના પાકિસ્તાન દ્વારા ભારત પર ડ્રોન હુમલા દ્વારા ઉલ્લંઘન થયા બાદ સંપૂર્ણ બ્લેકઆઉટની અગાઉથી જાહેરાત થતા સાંજે જ બન્ને ટ્રેનના મુંબઈના મુસાફરો પહોંચી આવ્યા હતા. અજંપાભરી સ્થિતિ વચ્ચે માદરે વતન જવા લોકોના ચહેરા પર આનંદને બદલે માયુસી જોવા મળી હતી.

દરમ્યાન, કચ્છ પર પાકિસ્તાન પ્રેરિત વારંવાર ડ્રોનના અસફળ હુમલા બાદ હરકતમાં આવેલા સ્થાનિક પ્રશાસને સજ્જડ બંધ પાડી દેતાં ભયસૂચક સાયરનના ડરામણા અવાજ વચ્ચે ભુજના માર્ગો ગણતરીની મિનિટોમાં જ સૂમસામ થઈ ગયા એ વચ્ચે ભયથી ફફડેલા પરપ્રાંતિય શ્રમજીવીઓ તેમજ દેશના અન્ય વિસ્તારોથી કચ્છમાં આવેલા હજારો લોકો બસપોર્ટ પર એકઠા થવા માંડતા અહીં પણ ભારે અફરાતફરીનો માહોલ ખડો થયો હતો.

અબડાસા, લખપત, ભુજ, નાગોર, સિરક્રીક, હરામીનાળુ, આદિપુર સહિતના વિસ્તારોમાં પાકિસ્તાનના નિષ્ફ્ળ ડ્રોન હુમલાના સમાચારો વહેવા લાગ્યા બાદ છઠ્ઠીબારીથી અનમ રિંગ રોડ સુધી શાકભાજી વેચનારા અને ખરીદનારાઓની ભારે ભીડ શરૂ થઈ ગઈ હતી. જોકે, કલેકટરના આદેશ બાદ સજ્જડ બંધ પાડી દેવાતાં સૌએ પોતપોતાના ઘરે જવા રીતસરની દોટ લગાવી હતી. લોકડાઉન જેમ તમામ કાર્યસ્થળો બંધ થઇ જતાં બેકાર બનેલા પરપ્રાંતિય શ્રમજીવીઓએ પણ પોતપોતાના બિસ્તરા-પોટલા બાંધી લીધા હતા અને વતનમાં ચિંતિત પરિવાર પાસે જે હાથવગું સાધન મળે તેમાં જવા માટે હેરાન થતા જોવા મળ્યા હતા.

યુદ્ધવિરામ જાહેર થયો ને…

દરમ્યાન, સાંજે પાંચ વાગ્યે યુદ્ધવિરામના ‘કન્ફ્રર્મ’ સમાચાર જોઈ, ટેંશન મુક્ત થયેલા લોકો ઘર બહાર હોંશથી નીકળ્યા હતા, અલબત્ત ગણતરીના કલાકોમાં જમ્મુ-કાશ્મીર,પંજાબ,કચ્છ સહિતના સ્થળોએ નફ્ટ પાકિસ્તાન દ્વારા ફરી ડ્રોનના નિષ્ફ્ળ હુમલા શરૂ કરી દેતાં રેડ એલર્ટ જારી કરી દેવાઈ હતી અને જનજીવનથી ધબકતા થયેલા માર્ગો પર પોલીસના ધાડા ઉતરી આવ્યા હતા. જરા વારમાં જ રસ્તા ખાલી કરાવી દીધા હતા.

લોકો કઈ સમજે એ પહેલાં સ્વયંભૂ બ્લેકઆઉટ થઇ ગયું અને ભયસૂચક સાયરન વાગવા માંડતા ભુજવાસીઓએ ફરી ભયના માર્યા આખી રાત કાઢી હતી. રાતથી રવિવારની સવાર સુધી સદ્ભાગ્યે ક્યાંય ફાયરિંગ કે હુમલાના સમાચાર આવ્યા નથી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ પણ ફરી ભારત-પાકિસ્તાનને યુદ્ધવિરામ માટે અભિનંદન આપતી ટ્વીટ કરતાં નાગરિકોમાં ટૂંક સમયમાં જનજીવન સામાન્ય થવાની આશા જીવંત બની છે. જોકે આ સાથે જો યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો દુશ્મનદેશને જડબાતોડ જવાબ દેતા સૈન્ય અને સુરક્ષા એજન્સીઓને બનતો સહયોગ આપવાની ભાવના પણ લોકોમાં એટલી જ જોવા મળે છે.

આ પણ વાંચો….ભારત-પાક યુદ્ધ વચ્ચે કચ્છ-બનાસકાંઠા સરહદે હાઈ એલર્ટઃ ભુજમાં આજે પણ બ્લેકઆઉટની સંભાવના

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button