ભુજ

આ દુર્લભ પ્રાણી દેખાયું કચ્છમાંઃ વન વિભાગના કેમેરામાં થયું કેદ

ભુજઃ અવનવી જૈવિક વિવિધતા ધરાવતા ભાતીગળ પ્રદેશ કચ્છમાં જ જોવા મળતા કેરેકલ એટલે કે હેણોતરાની તસવીર ભુજ તાલુકાના ચાડવા રખાલમાં વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા ટ્રેપ કેમેરામાં કેપ્ચર થઇ છે.

અત્યંત શરમાળ પ્રકૃતિના આ દુર્લભ પ્રાણીના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરકાર દ્વારા ભુજ તાલુકાના ચાડવા રખાલમાં તાજેતરમાં વ્યવસ્થાપિત કરવામાં આવેલા કેરેકલ બ્રિડીંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટરમાં ૧૦૦ જેટલા ટ્રેપ કેમેરા મુકવામાં આવ્યા છે જેમાં હેણોતરાની તસવીર કેદ થઈ છે.

ભુજ તાલુકાના સામત્રા ગામ પાસે આવેલી ચાડવા રખાલમાં ૪૯૦૦ હેક્ટર જમીનનો કબ્જો કચ્છના રાજવી પરિવારે રાજ્ય સરકારના વનવિભાગને સોંપ્યા બાદ અહીં હેણોતરો બ્રીડીંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવા સરકાર દ્વારા ૧૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.

આપણ વાંચો: રક્ષિત ચાડવા રખાલમાંથી વન્ય પ્રાણીના માંસ સાથે શિકારી ઝડપાયો

આ વિસ્તારમાં કેરેકલ-હેણોતરો ઉપરાંત જરખ, દીપડા, મગર, નોળિયા, ચિંકારા, ઘોર ખોદીયું, શિયાળ જેવા ૨૮ જેટલા સસ્તન, ૨૮ સરિસૃપ અને ૨૪૨ વિહંગ પ્રજાતિ મળી કુલ ૨૯૬ જેટલી પ્રજાતિની પ્રાણી અને જૈવિક વિવિધતા જોવા મળે છે.

આ ઉપરાંત અહીં વગડામાં ૨૪૩ જેટલી પ્રજાતિની વનસ્પતિ વૈવિધ્યતા પણ જોવા મળે છે. વન વિભાગ દ્વારા ચાડવા રખાલમાં ૧૦૦ જેટલા હાઈ ડેફિનેશન ટ્રેપ કેમેરા મૂકીને શરમાળ પ્રકૃતિના પ્રાણી એવા હેણોતરોની દિનચર્યા, તેના ખોરાક તેની નિવસનતંત્ર અને તેની વસ્તી મુદ્દે ગહન સંશોધન કરવામાં આવી રહ્યું છે.

આપણ વાંચો: હવે કચ્છમાં આ લુપ્ત થતા પ્રાણીનું બ્રિડિંગ સેન્ટર શરૂ થશે, સરકારનો સારો પ્રયાસ

મધ્યમ ઊંચાઈ ધરાવતા બિલાડી કુળના હેણોતરાનું સરેરાશ આયુષ્ય ૧૨થી ૧૭ વર્ષ હોય છે. તેનું વજન ૧૫થી ૨૦ કિલો હોય છે. હેણોતરો ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. માદા હેણોતરોનું ગર્ભાધાન સમય ૭૫થી ૭૯ દિવસ હોય છે.

ઘાસમાં ચરતાં પક્ષીઓના ટોળામાંથી કેટલાક પક્ષીઓ તથા હરણના કદનાં નાનાં પ્રાણીઓનો શિકાર કરવામાં રાષ્ટ્રીય સ્તરે લુપ્તપ્રાય વન્યજીવની અનુસૂચિમાં મુકવામાં આવેલું હેણોતરો પ્રાણી સક્ષમ છે.

વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૬માં હાથ ધરવામાં આવેલી વસ્તી ગણતરીમાં કચ્છમાં માત્ર નવ જ હેણોતરા હોવાનો આંકડો સામે આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button