દાદાના બુલડોઝર સામે ભાજપના વિધાનસભ્યએ ઉઠાવ્યો વાંધોઃ ગરીબોને ત્રાસ ન આપો

ભુજઃ ગુજરાતમાં ઠેરઠેર સરકારી દબાણો હટાવાઈ રહ્યા છે. આ કાર્યવાહીમાં ઘણા ગરીબ પરિવારોના ઘર પર પણ બુલડોઝર ફેરવાય છે. જોકે દરેક પરિવારને છત આપવાનું કામ સરકારનું છે અને સરકારે વાયદાઓ પણ ઘણા કર્યા છે, પરંતુ હકીકત તો એ છે કે ગરીબ તો શું મધ્યમવર્ગીય પરિવારો માટે પણ ઘરનું ઘર લેવું શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં શક્ય નથી. ત્યારે ભાજપના જ એક વિધાનસભ્યએ સરકારને આ પ્રકારે દબાણ હટાવવાની ઝુંબેશ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવા માટે પત્ર લખ્યો છે.
કોણે પત્ર લખ્યો મુખ્ય પ્રધાનને
કોંગ્રેસમાંથી અચાનક પક્ષપલટો કરી ફરી ભાજપમાં જોડાયેલા કચ્છના અબડાસા વિધાનસભાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ તેમના વિધાનસભા વિસ્તારમાં થઇ રહેલી ડિમોલિશનની કાર્યવાહી અંગેનો વિરોધ દર્શાવ્યો છે અને આ મામલે તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને પત્ર લખી, તાત્કાલિક અસરથી દબાણ હટાવો ઝુંબેશને મુલતવી રાખવા અરજ કરી છે.
શું લખ્યું છે પત્રમાં
જાડેજાએ સરકારને પત્રમાં લખ્યું છે કે સરકારી જમીનો પર બીપીએલ યાદીમાં પણ નામ નથી એવા ગરીબ માલધારીઓ મજબૂરીમાં કાચા મકાનો કે ઝૂંપડપટ્ટી બનાવીને વસવાટ કરે છે અને હાલ તેમના વિસ્તારમાં જમીનો પર રસ્તા, આરોગ્ય, શૈક્ષણિક હેતુ વગેરે માટે હાલ કોઈ વિકાસનું કામ કરવાનું સરકારનું આયોજન નથી. તેમ છતાં દબાણ માટેની નોટિસ સરકાર દ્વારા મળી છે જે અયોગ્ય છે.
તેમણે વધુમાં આ પત્ર દ્વારા જણાવ્યું હતું કે, અબડાસા સીમાવર્તી વિસ્તાર હોઈ, અહીં રોજગારીની તકો ઓછી હોઈ, નાછૂટકે લોકોને અહીંથી સ્થળાંતર કરવું પડશે. પંચાયતીરાજ અમલમાં આવ્યું ત્યારથી અબડાસાના ગામો રેવન્યુમાં ચડેલા ન હોઈ, આખા ગામોને દબાણમાં ગણવા એ બાબત પણ અયોગ્ય છે.
ગરીબ લોકોના કાચાં દબાણો પર બુલડોઝર ફરાવવાને બદલે ગુનેગારો દ્વારા બનાવાયેલાં અતિક્રમણોને હટાવવું વધુ જરૂરી છે. હાલમાં સરકાર દ્વારા અબડાસા વિસ્તારમાં કોઈ વિકાસકામ થવાનું ન હોય તો ખોટી રીતે નોટિસો આપીને ગરીબ લોકોને માનસિક ત્રાસ ન આપવામાં આવે અને જયારે કોઈ વિકાસનું કામ કરવાનું હશે, ત્યારે અમે સાથે રહીને દબાણ હટાવવા તંત્રને સાથ સહકાર આપીશું તેમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, પ્રદ્યુમનસિંહ જાડેજાએ આ અગાઉ બિપરજોય વાવાઝોડા વખતે અસરગ્રસ્ત લોકો માટે યોગ્ય સર્વે કામગીરી થવા સહિતના વિવિધ મુદ્દે પોતાના પક્ષની સરકાર સામે રજૂઆત કરી ચુક્યા છે.