62 વર્ષીય વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા ખંખેર્યા, એક મહિલા સહિત ત્રણની ધરપકડ | મુંબઈ સમાચાર

62 વર્ષીય વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા ખંખેર્યા, એક મહિલા સહિત ત્રણની ધરપકડ

ભુજ: ભુજમાં એક વૃદ્ધ વ્યક્તિ હનીટ્રેપનો શિકાર બન્યાં હતાં. માત્ર યુવાનો જ નહીં પરંતુ આધેડ વયના લોકો સાથે વૃદ્ધો પણ આનો શિકાર બની રહ્યાં છે. સરહદી કચ્છના ભુજ તાલુકાના સમૃદ્ધ એવા સુખપર ગામના એક 62 વર્ષીય વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. એટલું જ નહીં પરંતુ નકલી પોલીસ બનીને ઢોરમાર માર્યો અને ડરાવી-ધમકાવીને 60 હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યાં હતાં. આ મામલે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી અને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

હનીટ્રેપમાં ફસાવી ઢોરમાર માર્યો અને રૂપિયા પણ ખંખેર્યા

પોલીસે કમલેશ દયાપ્રસાદ વર્મા, ભગવતકુમાર ઓમપ્રકાશ રાણા અને મુસરા મજીદખાન પઠાણની ધરપકડ કરી લીધી છે. જયારે નકલી પોલીસ બનેલી એક મહિલાને ઝડપી લેવા છાનબીન આદરવામાં આવી છે. અગાઉ હનીટ્રેપના ગુનામાં સામેલ હેમલતા આ વૃદ્ધને પ્રેમજાળમાં ફસાવીને મુસરાના ફાર્મહાઉસમાં લઈ ગઈ હતી. જ્યાં નકલી ખાખી વર્દી પહેરીને કમલેશ અને ભગવત નામના વ્યક્તિઓ આવ્યા હતાં. આ લોકોએ વૃદ્ધને ડંડાથી માર મારીને રિવોલ્વર બતાડી ધમકાવીને પતાવટ કરવા પેટે ત્રણ લાખ રૂપિયા માગ્યા હતાં

આ કલમો હેઠળ આરોપીઓ સામે ગુનો નોંધાયો

ઝડપાયેલા ત્રણેય આરોપી ભુજના આશાપુરા નગર, ગીતા કોટેજીસ વિસ્તારમાં રહેવાસી છે. કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલી ત્રણ દિવસની રિમાન્ડ દરમિયાન ગહન પૂછપરછમાં તેમણે આ રીતે અગાઉ અન્ય કેટલાં ગુના કર્યા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ભુજ શહેર એ ડિવિઝન પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 204, 115, 117, 308(05), 61 (2), 296(બી), 351(3) અને આર્મ્સ એક્ચ કલમ 25(1-બી)(એ) હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ સાથે પોલીસે લોકોને અપીલ પણ કરી છે કે, આવી રીતે હનીટ્રેપનો શિકાર ના બનીએ તે માટે ખાસ તકેદારી રાખવામાં અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો…સુરતમાં રેસ્ટોરન્ટના માલિકને હનીટ્રેપ-આત્મહત્યા કેસમાં પોલીસે ચારને ઝડપ્યા…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button