ભુજમાં વિદ્યાર્થિનીની નિર્મમ હત્યા મામલે વિરોધ યથાવત! ABVPએ પોલીસ વડાને આપ્યું આવેદનપત્ર

ભુજઃ ભુજમાં આવેલી સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજમાં બીસીએમાં અભ્યાસ કરતી ભાનુશાલી સમાજની એક 19 વર્ષીય યુવતીની ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાની આ સમગ્ર ઘટનાના વિરોધમાં કચ્છની તમામ કોલેજોમાં આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક રેલી યોજીને જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું. જાહેરમાં દીકરીની હત્યા કરી દીધી હોવાથી અત્યારે પંથકમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી.
વિદ્યા સંકુલોમાં કાયમી ધોરણે નિયમિત પેટ્રોલિંગ કરવા રજૂઆત

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આપેલા આવેદન પત્રમાં હત્યારા યુવક વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને પીડિત પરિવારને ઝડપી ન્યાય મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે સાથે જિલ્લાભરની તમામ કોલેજો અને શાળાઓમાં કાયમી ધોરણે નિયમિત પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ જે કોલેજ કે શાળામાં મોટું કેમ્પસ છે, તેવા વિદ્યા સંકુલોમાં આવતા-જતા લોકોની ઓળખ ચકાસવા માટે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: દિલ્હીમાં જમાઈએ પત્ની અને સાસુની કરી નિર્મમ હત્યા! ઘરેલું વિવાદની આશંકા
આ યુનિવર્સિટીમાં કાયમી પોલીસ ચોકી શરૂ કરવા માંગ
કોઈ પણ કોલેજ હોય પરંતુ તેમાં કોઈ અજાણ્યા વ્યક્તિને કેમ્પસ ના મળવો જોઈએ. કારણ કે, તેના કારણે ઘણીવાર આવી ઘટનાઓ બનતી હોય છે. મહત્વની વાત છે કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે એવી પણ રજૂઆત કરી હતી કે, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે કાયમી પોલીસ ચોકી શરૂ કરવામાં આવે તે પણ જરૂરી છે. આ ઉપરાંત સમગ્ર જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં બહેનો માટે સ્વરક્ષણની તાલીમ, કાયદાકીય માર્ગદર્શન, સાયબર સુરક્ષા જેવી બાબતે વિદ્યાર્થીઓ માટે જાગૃતિ આવે તેવા કાર્યક્રમો યોજવાની અંગે પણ રજૂઆતો કરવામાં આવી હતી.