ભુજમાં ‘એક કા તીન’ની લાલચમાં જૈન મુનિ સાથે બે લાખની છેતરપિંડી, નોંધાઈ ફરિયાદ | મુંબઈ સમાચાર
ભુજ

ભુજમાં ‘એક કા તીન’ની લાલચમાં જૈન મુનિ સાથે બે લાખની છેતરપિંડી, નોંધાઈ ફરિયાદ

ભુજઃ રાજ્યમાં છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, બજાર ભાવ કરતાં ઓછા ભાવે સોનું અપાવી દેવાના નામે કચ્છમાં લોકો સાથે છેતરપિંડીના સેંકડો બનાવો બહાર આવી ચુક્યા છે. ફરી એકવાર ભુજમાં ‘એક કા તીન’ કરી આપવાનું કહીને ત્રણ ધૂતારાઓએ ગુણોદય જૈન તીર્થધામના જૈન મુનિ સાથે છેતરપિંડી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સમગ્ર મામલે કચ્છમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.

બે આરોપીઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

આ અંગે માંડવીમાં રહેતા મોક્ષ બિપિનભાઈ ગાલાએ ભરતભાઈ પટેલ નામ ધારણ કરનારા અનવર લાખા અને અજ્ઞાત મોટરસાઇકલ ચાલક સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ પ્રમાણે તારીખ 30/09/2025ના રોજ જૈન મુનિ પ્રિયંકસાગર મુનિ મહારાજ સાથે કામ કરતા પાલીતાણાના આરોપી ભરતે ભુજમાં રહેતા અનવર લાખા સાથે ઓળખાણ કરાવી હતી અને જૈન મુનિને બે લાખના બદલે છ લાખની કિંમતની સેકન્ડ કરન્સીની નોટ આપવાની લોભામણી વાત કરી હતી.

આ પણ વાંચો : હિંમતનગરમાં BZ કૌભાંડ જેવું જ વધુ એક કૌભાંડ; ઊંચા વળતરના નામે ₹૩.૪૨ કરોડની છેતરપિંડી

વિશ્વાસમાં લેવા માટે પહેલાં 10 હજાર આપ્યા હતા

એટલું જ નહીં પરંતુ આરોપીઓએ તેમને વિશ્વાસમાં લેવા માટે પહેલાં 10 હજાર આપ્યા હતા. બાદમાં જૈન મુનિએ તેના ભત્રીજાને નાગોર રોડ ઉપર બે લાખ આપવા માટે મોકલ્યો હતો. બોગસ નામધારી આરોપી અનવર લાખા સહિત ત્રણ જણ એક કારમાં આવ્યા હતા અને બે લાખ લઈ લીધા હતા. પૈસા લઈને ચાલ્યા ગયા બાદ આરોપીઓ પરત આવ્યા જ ન હતા. આરોપી ભરત જૈન મુનિ પાસે કામ કરતો હતો. જૈન મુનિ ગુણોદય જૈન તીર્થધામના સ્થાપક હોઈ તીર્થધામના પૈસા તેમની પાસે રહેતા હોવાનું જાણતો હતો. તે પૈસા મેળવવા માટે ‘એક કા તીન’ની લાલચ આપી આ સમગ્ર કારસો રચ્યો હતો. હાલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button