આ એક્સિડેન્ટના સીસીટીવી ફૂટેજ જોઈ સમજી શકાશે કે વાહનો કેટલા બેફામ ચલાવાય છે

ભુજઃ મોટાભાગના એક્સિડેન્ટ વાહનચાલકોની બેજવાબદારીને લીધે જ થાય છે. અમુક સમયે બન્ને વાહનચાલકો જવાબદાર હોય છે ત્યારે ક્યારેક એક વાહનચાલક બીજાની બેજવાબદારીનો ભોગ બને છે અને જીવ ગુમાવે છે. કચ્છમાં બનેલી અક્સમાતની ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને સમજી શકાય કે વાહનચાલકો કઈ રીતે જોયાજાણ્યા વિના રસ્તા પર પોતાના વાહનો ચલાવે છે અને અન્યો માટે યમદૂત બની આવે છે.
ભુજની નજીક આવેલા માધાપર ગામના ઈન્દ્રવિલા સર્કલ પાસે એક ટ્રકે રસ્તા પર ઊભેલાં મોટર સાઇકલ ચાલકને કચડી દેતાં આ ચાલકે તત્કાળ દમ તોડી દીધો હતો. આ દુર્ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ જોઈને ખુદ ટ્રાફિક પોલીસ પણ ચોંકી ઉઠી છે. માધાપર પોલીસે ઘટના અંગે સાપરાધ માનવવધની કલમો તળે ફરિયાદ નોંધી આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે.
ઇન્દ્રવિલા સર્કલ ખાતે વળાંકમાં ટ્રકને આવતી જોઈને મોટરસાઇકલ હંકારી રહેલા હતભાગી ૫૬ વર્ષિય નાનજીભાઈ વિશ્રામભાઈ પિંડોરીયા (રહે. કોટકનગર, માધાપર નવા વાસ) એ સમયસર પોતાનું વાહન થોભાવી દીધું હતી. જો કે ભારે વાહનના ચાલકે આસપાસ જોયા વિના, સીધી તેમના પર જ ટ્રક ચઢાવી દીધી હતી. એટલું જ નહીં, ઘટનાથી બેખબર ટ્રકચાલક થોડેક આગળ સુધી નાનજીભાઈને તોતિંગ ટાયર નીચે ઢસડીને આગળ ચાલ્યો ગયો હતો.
આ પણ વાંચો: કચ્છમાં યોગ શિક્ષક સહિતચારના અકાળે મોતઃ બાળક પણ બન્યું અક્સમાતનો ભોગ
અન્ય વાહનચાલકો અને રાહદારીઓએ બૂમાબૂમ કરતાં ટ્રકચાલકે ટ્રક થોભાવી હતી. ગંભીર રીતે ઘાયલ નાનજીભાઈને જી.કે. જનરલ હોસ્પિટલથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં હતા પરંતુ સારવાર અગાઉ તેમણે દમ તોડી દીધો હતો. માધાપર પીઆઈ ડી.એમ. ઝાલાએ જણાવ્યું હતું કે, જીજે-૧૨ એયુ-૭૫૪૨ નંબરની ટ્રકના ચાલક ધનજી નાથા આહીર (ઉ.વ. ૨૬, રહે. કૃષ્ણનગર, કોટકનગર પાસે, માધાપર) સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૫ (સાપરાધ માનવવધ) સહિતની કલમો તળે ગુનો નોંધ્યો છે.