ભુજ

ભદ્રેશ્વર હત્યાકાંડ: પોલીસે ફરાર આરોપી પતિની ધરપકડ કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ:
કચ્છના મુંદરા તાલુકાના ભદ્રેશ્વર ગામમાં પારિવારિક ઝગડામાં એક સ્ત્રીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. ઘરના મોભી ગણાતા પતિએ જ આવેશમાં આવીને પોતાની પત્નીની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો. સામાન્ય ઘરકંકાસમાં લોહિયાળ ખેલ ખેલાતા ભદ્રેશ્વર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ ઘટનામાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી પતિએ અત્યંત ક્રૂરતાપૂર્વક આ કૃત્ય આચર્યું હતું અને ફરાર થઈ ગયો હતો, જેને હવે જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે.

મળતી માહિતી પ્રમાણે 55 વર્ષીય અભુ મામદ ગોધા કોઈ કામધંધો કરતો ન હોવાથી તેની 47 વર્ષીય પત્ની હવાબાઈ સાથે વારંવાર ઝઘડા થતા હતા. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા નરાધમ પતિએ પહેલા પોતાના સંતાનોને એક રૂમમાં પૂરી દીધા હતા. ત્યારબાદ ઘસઘસાટ ઊંઘી રહેલી પત્નીને ‘ચા બનાવી આપ’ તેમ કહી ઉઠાડી હતી.

આપણ વાચો: મુંદરાના ભદ્રેશ્વરમાં પત્નીની ઘાતકી હત્યા: સંતાનોને રૂમમાં પૂરી પતિએ પત્નીને પતાવી દીધી

પત્ની કઈ સમજે તે પહેલા જ અભુએ ધારદાર છરી વડે તેના પર એક પછી એક સાતથી વધુ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલી હવાબાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ ભયાનક હત્યાકાંડની સૌથી આઘાતજનક બાબત એ છે કે, આરોપીની મોટી પુત્રી અલ્ફાના આ સમગ્ર દ્રશ્યની સાક્ષી બની હતી. પિતાએ જ્યારે સંતાનોને રૂમમાં પૂર્યા હતા, ત્યારે અલ્ફાનાએ રૂમની બારીમાંથી પોતાના પિતાને માતા પર છરીના ઘા મારતા નજરે જોયા હતા.

માતાની કરપીણ હત્યા બાદ આઘાતમાં સરી પડેલી પુત્રીએ હિંમત ભેગી કરી મુંદરા મરીન પોલીસ સ્ટેશનમાં પોતાના જ પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

હત્યા કર્યા બાદ આરોપી અભુ મામદ ગોધા નાસી છૂટ્યો હતો અને ધરપકડથી બચવા માટે છુપાઈ રહ્યો હતો. જોકે, સ્થાનિક ગુનાશોધક શાખા (LCB) અને મુંદરા પોલીસે બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી.

પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે આરોપી રાવડી તળાવ પાસે આવેલી બાવળોની ગીચ ઝાડીઓમાં છુપાયેલો છે. પોલીસે આ વિસ્તારને ઘેરી લઈને હત્યારા પતિને દબોચી લીધો હતો અને વધુ પૂછપરછ માટે મુંદરા મરીન પોલીસને સોંપવામાં આવ્યો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button