ભુજ

અંજારમાં પોલીસે ફિલ્મી ઢબે બોલેરોનો પીછો કરી 1,000 લિટર તેલ ઝડપ્યું, પણ આરોપીઓ થાપ આપી ફરાર

ભુજઃ કચ્છના સરહદી વિસ્તારો સહિત ગાંધીધામથી લઇ, સામખિયાળી સુધીના વિસ્તારોમાં જુદા-જુદા પેટ્રોલિયમ પદાર્થોનું ગેરકાયેદે વેચાણ કરવામાં આવતું હોવાનું અનેક વખત પ્રકાશમાં આવી ચૂક્યું છે ત્યારે અંજારમાંથી પોલીસે હજાર લિટરનું તેલ ઝડપવામાં સફળ રહી હતી, પરંતુ આરોપીઓ પકડાયા નહોતા.

સીપીયુ અને સોયાબીન વગેરે તેલ ભરેલાં ટેન્કરોમાંથી તેલ ચોરી કરતી ગેંગનો પીછો કરીને અંજાર પોલીસે બોલેરોમાં લઈ જવાતું ૯૫ હજાર રૂપિયાના મૂલ્યનું ૧ હજાર લિટર સીપીયુ તેલ અને સોયાબીન તેલ પકડી પાડ્યું હતું, અલબત્ત તેલ ચોરીમાં સંડોવાયેલા ચાર શખસ પોલીસને થાપ આપી નાસી છૂટ્યાં હતા.

અંજાર પોલીસે પૂર્વ બાતમીના આધારે ભીમાસર-ટપ્પર માર્ગ પર વૉચ ગોઠવીને વિવિધ કેરબામાં ચોરીના તેલનો જથ્થો લઈને બોલેરોમાં જતાં તેલચોરોને આંતરવાનો પ્રયાસ કર્યો હતો.

આપણ વાંચો: હવે કચ્છથી ઝડપાયો મુન્નાભાઈઃ નિષ્ણાત તબીબની જેમ ગંભીર બીમારીઓની સારવાર કરનારો બોગસ તબીબ માધાપરમાંથી ઝડપાયો

પોલીસ હોવાની જાણ થયા બાદ તેલચોર ટોળકીએ રોકવાના બદલે પૂરપાટ ઝડપે બોલેરો હંકારી મૂકી હતી. વાત અહીંથી અટકી નહોતી, પરંતુ બોલેરોનો પોલીસે પીછો કરતાં થોડેક આગળ બોલેરોને રસ્તા પર રેઢી મૂકીને બાવળની ઝાડીમાંથી આરોપીઓ નાસી છૂટ્યાં હતાં.

પોલીસે બોલરોમાંથી વિવિધ કેરબામાં ભરેલું ૫૬ હજારની કિંમતનું ૭૦૦ લિટર સીપીયુ ઓઈલ અને ૩૯ હજારની કિંમતનું ૩૦૦ લિટર સોયાબીન તેલ ઝડપી લીધું હતું.

આપણ વાંચો: કચ્છમાંથી 1.47 કરોડનું કોકેઈન ઝડપાયું, પંજાબની બે મહિલા સહિત ચારની પરપકડ

પોલીસે બોલેરો અને ૯૫ હજારનું ચોરાઉ તેલ જપ્ત કરીને ભીમાસરના સુમિત નારણ ડાંગર, અંજારના જીગર નટુ ઠક્કર, મારીંગણાના સાકરો મેરા રબારી અને મોડવદરના હરભમ હિરા રબારી વિરુદ્ધ ગુનાહિત કાવતરું ઘડવાની સાથે તેલ ચોરી કરવા અન્ય સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button