ભુજના મિયાવાકી જંગલ પર આનંદ મહિન્દ્રા આફરીનઃ ટ્વીટ કરી વીડિયો શેર કર્યો

ભુજઃ કચ્છમાં ૨૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપની સ્મૃતિને સાચવવા ભુજના ભુજીયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ખાતે કૃત્રિમ રીતે વિક્સાવેલું મિયાવાકી જંગલ દુનિયાનું સૌથી મોટું જંગલ બની ગયું હોવાની માહિતી ટોચના કોર્પોરેટ સ્ટાર આનંદ મહિન્દ્રાએ જણાવ્યું છે. તેમણે આ સ્મૃતિવનની મુલાકાત લીધા બાદ એક્સ પર તેની તસવીરો-વીડિયો પણ પોસ્ટ કર્યા છે. ૧૭૦ એકર વિસ્તારમાં પથરાયેલા અને સાડા ચાર લાખ વૃક્ષો સાથે ઝડપભેર ગાઢ જંગલમાં પરિવર્તિત થઇ રહેલા મિયાવાકી જંગલને જાપાનના વનસ્પતિ શાસ્ત્રી ડો.અકિરા મિયાવાકીના નામ પરથી આ જંગલને મિયાવાકી જંગલનું નામ અપાયું છે.
આ જંગલમાં જુદા જુદા પ્રકારની વનસ્પતિ અને વૃક્ષો એકબીજાની તદ્દન નજીક રોપવામાં આવે છે અને થોડા વર્ષોમાં આવું વાવેતર ગાઢ જંગલમાં ફેરવાઈ જાય છે. મિયાવાકી પદ્ધતિથી માત્ર બે કે ત્રણ વર્ષના સમયગાળામાં ગાઢ જંગલો ઊભાં કરી શકાય છે. રાજ્ય સરકારના પર્યાવરણ વિભાગના ઉપક્રમે, ભારતના ‘ગ્રીન હીરો’ તરીકે ઓળખાતા ડો.રાધાક્રિશ્નન નાયર દ્વારા આ જંગલના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ડો.નાયર દ્વારા આ પ્રકારના ૧૧૫ જેટલા ગાઢ કૃત્રિમ જંગલોના નિર્માણ પૂરા કરી દેવાયા છે. ભુજ ખાતેના ભુજિયા ડુંગર પર આવેલું આ મિયાવાકી જંગલ દુનિયાનું સૌથી મોટું કૃત્રિમ જંગલ છે. આ જંગલને કારણે પર્યાવરણને ખુબ મોટો લાભ થઇ રહ્યો છે. હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઈટને આ જંગલ શોષી રહ્યું છે જેની સ્પષ્ટ અસર ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહી છે. સ્થાનિક વાઈલ્ડ લાઈફને માટે પણ તે આશીર્વાદરૂપ બન્યું છે અને બાયોડાઇવર્સીટી અને ઇકોલોજીકલ સંતુલન જળવાઈ રહ્યું છે. આ ઉપરાંત તેનાથી હવાનો એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ સારો રહે છે.
આ પણ વાંચો…મલેશિયાની પેલિકન નેચરલ ક્લ્બ દ્વારા કચ્છમાં વસવાટ કરતા જળચરોની વસ્તી ગણતરી હાથ ધરાઈ