
ભુજ: ભારત-પાકિસ્તાનની વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદો પર યુદ્ધ વિરામ વચ્ચે પણ અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે, ત્યારે ભારતીય સેનાના ત્રણેય પાંખના વડા ‘ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ’ જનરલ અનિલ ચૌહાણે આજે પશ્ચિમી સીમાએ કચ્છના અબડાસા તાલુકાના નલિયા પાસેના ભાનાડા ખાતે આવેલા ભારતીય હવાઈ દળ મથકની મુલાકાત લીધી હતી અને તેમણે જવાનો સાથે ચર્ચા-વિચારણા કરી પ્રવર્તમાન સમયમાં ‘ઓપરેશનલ રેડીનેસ’ ની મહત્તા પર ભાર મુક્યો હતો.
નલિયા હવાઈ મથક પર તમામ ગતિવિધિઓ નિહાળી
તેમણે નલિયા ખાતેના ભારતીય હવાઈ મથક પરની તમામ ગતિવિધિઓ નિહાળી અને જવાનોના મનોબળ અને હવાઈ મથકની પ્રવર્તમાન સંજોગોમાં, દુશમનની કોઈ પણ નાપાક હરકતને પહોંચી વળવાની તૈયારીઓ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.
પ્રવર્તમાન પરિસ્થિતિમાં સતર્ક રહેવાની જરૂરત
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સાથે લેફ્ટનન્ટ જનરલ મનજીન્દર સિંઘ, દક્ષિણ-પશ્ચિમ સેક્ટરના સૈન્ય કમાન્ડર તેમજ એર માર્શલ નાગેશ કપૂર સહિતના સેનાના ટોચના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તેમને હાલની અત્યાધુનિક એર ડિફેન્સ પ્રણાલી વિશેની માહિતી અપાઈ હતી. આ પ્રસંગે તેમણે સૈન્ય દળોના અપ્રિતમ શૌર્યને બિરદાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય દળોએ સેનાના ઉચ્ચ મૂલ્યોને કુનેહપૂર્વક પ્રસ્થાપિત કર્યોં છે.

તેઓએ પ્રવર્તમાન પરિસ્થિતિમાં સતર્ક રહેવાની જરૂરત પર ભાર મુક્યો હતો. આ પ્રસંગે તેમણે સ્થાનિક મુલકી વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી રહેલા સહયોગની પણ પ્રશંશા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ દ્વારા આજે કચ્છના નલિયા ખાતેના ભારતીય હવાઈ દળ મથક ઉપરાંત રાજસ્થાનના સુરત ગઢ મિલિટરી સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી.