કઈંક મોટું થવાનું નક્કી! ભુજ-અબડાસામાં તમામ બજારો બંધ

કચ્છઃ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. શનિવારના વહેલી સવારથી જ કચ્છની સંવેદનશીલ સરહદ પર સૈન્ય હલચલ જોવા મળી રહી છે. આજે સવારે પોલીસે ભુજમાં તમામ બજારોમાં ખુલતી દુકાનો અટકાવી હતી અને ખુલ્લી દુકાનોને બંધ કરાવી હતી. ભુજમાં એકપણ વ્યક્તિને બહાર ન રહેવા સૂચના અપાઈ છે. અબડાસામાં પણ બજારો બંધ કરાવવામાં આવી હતી. અબડાસાના નાની ધ્રુફી ગામ નજીક એક પાકિસ્તાની ડ્રોનને તોડી પડાયું હતું. નલિયાથી 25 કિ.મી દૂર નાની ધ્રુફી અને બેરાજા ગામની સીમના ખેતરમાં આ નષ્ટ થયેલા ડ્રોનના કાટમાળની હાલ સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ, પાકિસ્તાનના આ ડ્રોન હુમલાને પગલે ભુજમાં લોકોને ઘરની બહાર ન નીકળવા આદેશ કરાયો હતો. ઉપરાંત નાગરિકોએ કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવા સૂચના અપાઈ હતી.તમામ દુકાનોને સુરક્ષાના કારણોસર તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવી હતી.
અબડાસા ઉપરાંત મહાબંદર કંડલાથી 15 કિમી દૂર પૂર્વ કચ્છના આદિપુરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ઓફિસની નજીક એક ખાલી પ્લોટમાં પણ પાકિસ્તાનનું ડ્રોન તૂટી પડ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો…ભારત-પાક યુદ્ધ વચ્ચે કચ્છ-બનાસકાંઠા સરહદે હાઈ એલર્ટઃ ભુજમાં આજે પણ બ્લેકઆઉટની સંભાવના