એર ઇન્ડિયા 26 ઓક્ટોબરથી ભુજ-મુંબઈ વચ્ચે વધુ એક ફ્લાઇટ શરૂ કરશે, આ રહ્યું સમયપત્ર

ભુજઃ લાંબા સમયની માંગ બાદ આખરે કચ્છના મુખ્ય મથક ભુજને આર્થિક રાજધાની મુંબઇ સાથે જોડનારી વધુ એક એર ઇન્ડિયાની હવાઇ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 26મી ઓક્ટોબરથી ભુજથી મુંબઇ માટે એર ઇન્ડિયાની હવાઇ સેવા આરંભ કરવામાં આવશે. જેને લઈને કચ્છમાં હર્ષની લાગણી પ્રસરી છે.
કચ્છ આવતા પ્રવાસીઓ માટે વધારાની સુવિધા ઉપલબ્ધ થશે
દિવાળીના તહેવારો અને રણોત્સવ શરૂ થવાના સમયે નવી વિમાની સેવાની જાહેરાતથી કચ્છ આવતા પ્રવાસીઓ માટે વધારાની સુવિધા ઉપલબ્ધ થશે. ભુજથી સાંજના સમયે આ ફ્લાઇટ ઉડાન ભરવાની હોવાથી આંતરરાષ્ટ્રીય મુસાફરીએ જતા લોકોનો મુંબઈ વિમાની મથકે ઓછું રોકાણ કરવું પડશે. એક પછી એક નવી હવાઈ સેવાઓ કચ્છમાં ઉપલબ્ધ થવાની સાથે એક સમયે ખાલી ભાસતું ભુજનું એરપોર્ટ દિન પ્રતિદિન વ્યસ્ત બની રહ્યું છે.
આ પણ વાંચો : એર ઇન્ડિયાના વિમાનનું વિશાખાપટ્ટનમમાં ઇમરજન્સી લેન્ડિંગ, જાણો શું છે કારણ…
26મી ઓક્ટોબરથી આ વિમાન સેવા શરૂ થશે
એર ઈન્ડિયા દ્વારા જારી કરાયેલી સત્તાવાર યાદી અનુસાર, આગામી 26મી ઓક્ટોબરથી આ વિમાની સેવાની શરૂઆત થશે. આ વિમાન બપોરે 01:50 વાગ્યે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-2 પરથી ઉડાન ભર્યા બાદ બપોરના 03:20 વાગ્યે ભુજ પહોંચી આવશે. આ ફ્લાઈટ ફરી ભુજથી બપોરના 4 વાગ્યે ઉડાન ભરશે અને 05:25 વાગ્યે મુંબઈ પહોંચશે. અત્યાર સુધી ભુજ-મુંબઈ વચ્ચે સવારે એક જ હાઉસફુલ’ ફ્લાઇટ ઉડાન ભરી રહી હતી, હવે સાંજે પણ ભુજથી મુંબઈ જવા માટે વિમાની સેવાનો નવો વિકલ્પ પ્રવાસીઓએ માટે ઉપલબધ થયો છે.
આ પણ વાંચો : એર ઇન્ડિયાના ડ્રીમલાઇનરનું ટેકઓફ રદ: દિલ્હીથી લંડન જતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી…
ભાડું વધારે હોવાથી થોડી અડચણો આવી શકે છે
ટુર ઓપરેટરોના જણાવ્યા પ્રમાણે, લંડન, નાઈરોબી, અમેરિકા, કેનેડા જવા માટેની કનેક્ટિંગ ફ્લાઇટ માટે આખો દિવસ મુંબઈ એરપોર્ટ પર પ્રવાસીઓએ વેઈટિંગ કરવું પડતું હતું, પરંતુ આ નવી વિમાની સેવાથી વેઇટિંગ ટાઈમ ઘટી જશે. વધુમાં મુંબઈથી વહેલી સવારની 06:30 વાગ્યે ફ્લાઇટ હોવાથી મુસાફોરોને એકથી દોઢ કલાક વહેલા એરપોર્ટ પર ડિપાર્ચર માટે પહોંચવું પડતું હતું, હવે એ પરિસ્થિતિમાંથી પણ રાહત થશે. આ ફ્લાઇટનું ભાડું પણ ઘણું વધારે હોતાં ભાડા પર અંકુશ મુકાય તો ઘણી રાહત રહે તેમ છે, હાલ આ ફ્લાઇટનું ભાડું આઠથી નવ હજાર, તો સવારની ફ્લાઇટનું ભાડું 12થી 15 હજાર જેટલું છે.