ભુજમાં જાણીતા સ્નેક રેસ્ક્યૂઅરને જ સાપે ડંખ માર્યોઃ સારવાર મળતા જીવ બચ્યો

ભુજ: વરસાદ સાથે વીંછી તેમજ સર્પદંશના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ભુજના સાપ પકડવા માટે જાણીતા એવા ૩૨ વર્ષીય રિઝવાન મેમણને રેસ્ક્યુ ઓપરેશન દરમ્યાન અત્યંત ઝેરીલા કોબ્રા સર્પે હાથ પર ડંખ મારી દીધો હતો, જો કે સમયસરની સારવાર મળી જતાં આ યુવકનો જીવ બચી જવા પામ્યો છે.
સાપ, વીંછી જેવા ઝેરી જીવ-જંતુઓનું રેસ્ક્યુ કરતા અનુભવી લોકો માટે લાલબત્તી રૂપ એવી આ ઘટના અંગે હોસ્પિટલના બિછાને સારવાર મેળવી રહેલા રિઝવાને જણાવ્યું હતું કે, ભુજ-માધાપર માર્ગ પર આવેલી ડોલર હોટલ પાછળ સ્કોર્પિઓ જીપકારની ચેસિસમાં ફસાયેલા ઝેરી કોબ્રાને બચાવવા માટે તેને બોલાવાયો હતો. એક-દોઢ કલાકની ભારે જહેમત બાદ કોબ્રાને ગાડીની નીચેથી બહાર કાઢી લેવાયો હતો, જો કે તેને ડબ્બામાં મૂકતી વખતે ગભરાયેલા કોબ્રાએ તેના હાથ પર ડંખ મારી દેતાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
રિઝવાનને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં તેને ઝેર ઉતારવાનું ઇન્જેક્શન એન્ટી વેનમ અપાયું હતું. હાલ તેની સારવાર ચાલી રહી છે અને તબિયત સ્થિર છે. રિઝવાને ઉમેર્યું હતું કે, અંદાજે ૧૨ વર્ષના આ કાર્ય દરમિયાન ૭૦૦૦થી પણ વધારે સર્પોને બચાવ્યા છે જેમાં આ પ્રથમ વખત કોઈ સાપે અને તે પણ અત્યંત ઝેરીલા કોબ્રાએ તેને ડંખ માર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રિઝવાન ઝેરી અને બિનઝેરી સાપ ઓળખવામાં પારંગત છે. તેઓ કોલ પર તરત જ પહોંચી જાય છે અને સર્પને પકડીને સુરક્ષિત રીતે છોડી આવે છે.
આ પણ વાંચો…આસામમાં મળ્યો રીયલ લાઈફ હેરી પોટર સ્નેક, હિમંતા સરમાએ તસવીરો શેર કરી