ભુજ

ગાંધીધામમાં પાણી પીવાના બહાને આવેલો બાવો 14 લાખના દાગીના લઈ ફરાર

ભુજ: ઈન્ટરનેટના સતત વધી રહેલા વ્યાપ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધુનિક સમયમાં પણ કાળા જાદુ, ટોટકામાં વિશ્વાસ રાખી છેતરામણીનો ભોગ બનતા રહેતા અંધશ્રદ્ધાળુઓના કિસ્સાઓ લગભગ દરરોજ સામે આવતા રહે છે. તમારા શરીરમાં અને ઘરમાં રહેલા સોના-ચાંદીના દાગીનાઓમાં નડતર હોવાના નામે ડરાવીને બાવા અને તેના શિષ્યે ગૃહિણીને ભોળવી રૂ. 14.40 લાખના દાગીના સેરવી લીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ શહેર ખાતે બહાર આવતાં કચ્છ સહીત બૃહદ કચ્છમાં ભારે ચકચાર પ્રસરી છે.

જલ્દી ઘરે આવવા માટે પત્નીએ કર્યો ફોન

ગાંધીધામના વોર્ડ નંબર ૭-ડીમાં રહેતા અને એક ટીમ્બર કંપનીના સંચાલક એવા દિનેશકુમાર ભાણજી પટેલે એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સત્તરમી તારીખના તેઓ પોતાના બન્ને પુત્ર સાથે રોજની જેમ ઓફિસે ગયા હતા. બપોરે એકાદ વાગ્યે તેમના પત્ની ગીતાબેને જેમ બને તેમ જલ્દી ઘરે આવવા માટે ફોન કરીને બોલાવ્યા હતા. તેઓ ઘરે પહોંચ્યા ત્યારે અર્ધ બેભાન અવસ્થામાં પડેલા હતા.

36 તોલા સોનાના દાગીના લઈ બાવો ફરાર

બેભાન થઈ ગયેલા પત્નીએ તેઓને જણાવ્યું હતું કે, એક બાવો તેમના ઘરે પાણી પીવાના બહાને આવ્યો હતો. ધર્મ-અધર્મની વાતો કરતાં કરતાં બાવાનું ધ્યાન પત્નીની કમરમાં બાંધેલા મેડિકલ પટ્ટા પર ગયું હતું. પૂછપરછ કરતાં ગીતાબેને પોતે ઘરકામ કરતી વખતે પડી જતાં લાગ્યું હોવાનું કહી કોઇ ઉપાય હોય તો કહો તેમ કહેતાં બાવાએ તમારા શરીરમાં નડતર હોવાનું અને ઘરમાં ખોટા સમયે સોનું આવી ગયું હોવાનું જણાવી ગ્લાસમાં પાણી મગાવ્યા બાદ મંત્ર-તંત્ર બોલ્યો અને પાણી છાંટી તેમના ગુરૂ સાથે વાત કરાવ્યા બાદ તમારા દાગીના લઇ માટલામાં નાખવા કહ્યું હતું. ત્યાર બાદ પત્ની પર વશીકરણ કરીને રૂ. 14 લાખની કિંમતના 36 તોલા સોનાના દાગીના તફડાવીને બાવો ચાલ્યો ગયો હતો. હાલ પોલીસે અજ્ઞાત બાવા અને તેના કહેવાતા ગુરુ વિરુદ્ધ ગુનો નોંધી, તેમને દબોચી લેવા કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો….શેર બજારમાં ટ્રેડિંગના નામે આદિપુરના વ્યક્તિ સાથે ૩૯.૯૦ લાખની ઓનલાઇન ઠગાઈ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button