આત્મહત્યાની ઘટનાઓ સતત વધી! કચ્છમાં આપઘાત અને અકસ્માતની ઘટનામાં 6 લોકોના મોત

ભુજઃ કચ્છમાં અપમૃત્યુના બનાવોની વણથંભી વણઝાર યથાવત છે. આજે સતત બીજા દિવસે આપઘાત-અકસ્માતના બનેલા વિવિધ કિસ્સાઓમાં એક વિદેશી નાગરિક સહિત છ લોકોના અકાળે મોત નિપજતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી છે. ગાંધીધામ તાલુકાના શિણાય ખાતેની યોગીપુરમ સોસાયટીમાં રહેતા વિજયસિંહ ભુરૂભા રાણાએ, પડાણામાં વિરમારામ માનારામ ચૌધરીએ, ગાંધીધામ શહેરમાં બાયાબેન કાનજી મહેશ્વરીએ જયારે ભુજના ખારીનદી રોડ પરના અમન નગરમાં રહેતી 17 વર્ષીય સગીરા મોયા આસીફ શેખે અજ્ઞાત કારણોસર ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી છે.
ચાર લોકોએ અગમ્ય કારણોસર કરી આત્મહત્યા
આ ઉપરાંત ભુજના માધાપર ગામમાં આવેલી ભાદરકા સોસાયટીમાં એકલવાયું જીવન જીવતા 54 વર્ષના સુરેશભાઇ પ્રેમજીભાઇ સોલંકી તેમનાં ઘરની બાજુના ટાંકામાં ડૂબી જતાં મૃત હાલતમાં મળ્યા હતા. આ સાથે મુન્દ્રા અદાણી બંદર ખાતે માલવાહક જહાજ પર અકસ્માતે પગ લપસતાં નીચે પડી ગયેલા વિદેશી ખલાસીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
17 વર્ષની સગીરાએ પણ જીવનલીલા સંકેલી!
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શિણાયની યોગીપુરમ સોસાયટીમાં રહેનાર વિજયસિંહે ગત સવારે પોતાના ઘરે અગમ્ય કારણોસર છતના પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પડાણામાં આસ્થા સોલ્ટની શ્રમિક વસાહતમાં રહેતા અને મજૂરીકામ કરનાર વિરમારામ નામના આધેડે છતના પંખામાં દોરી બાંધી ગળેફાંસો આપઘાત કર્યો હતો. ગાંધીધામ શહેરના રોટરી નગરમાં મકાન નંબર 562માં રહેતાં બાયાબેને ગઇકાલે સાંજે પોતાના ઘરે અગમ્ય કારણોસર આપધાત કર્યો હતો. એટલું જ નહીં પરંતુ ભુજના ખારીનદી માર્ગ પરના અમન નગરમાં એક 17 વર્ષની મોયા આસીફ શેખ નામની સગીરાએ ગળેફાંસો ખાઇને જીવન લીલા સંકેલી લીધી છે. આ સમગ્ર મામલે ભુજ એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ ધરી છે.
પાણીના ટાંકામાં પડી જતા મોત થયું હોવાની આશંકા
એક બીજો બનાવ ભુજના માધાપર મધ્યેના ભાદરકા નગરમાં બનવા પામ્યો હતો.અહીં એકલા રહેતા સુરેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી તેમના ઘરની બાજુમાં આવેલા પાણીના ટાંકામાં અકસ્માતે પડી ગયા હતા. ભુજ ફાયર વિભાગની ટુકડી અને માધાપર પોલીસે આધેડના મૃતદેહને ટાંકામાંથી બહાર કાઢી, આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જહાજના ડેક પરથી નીચે પટકાયેલા વિદેશી ક્રુ મેમ્બરનું મોત
કચ્છના મુન્દ્રા અદાણી બંદર પર ગત ગુરુવારે સવારે અપમૃત્યુનો કરુણ બનાવ બન્યો હતો. અહીં લાંગરેલા માલવાહક જહાજના ડેક પરથી પગ લપસતાં નીચે પટકાયેલા વિદેશી ક્રુ મેમ્બરનું મોત થયું હતું. પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, ગત ગુરુવારના સવારે દસેક વાગ્યાના અરસામાં મુન્દ્રા અદાણી બંદરની જેટી પર લાંગરેલા જહાજ પર કામ કરતી વખતે અકસ્માતે પગ લપસતાં નીચે પટકાયેલા ફિલિપાઇન્સના રિચાર્ડ નિક્સન અંતિયહો નામના 52 વર્ષીય ખલાસીનું કમકમાટીભર્યું મોત થયું હતું. જે મામલે મરીન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો…ટ્યુશન ટીચરનો આપઘાત: દીકરીને ન્યાય આપવવા માટે સમાજ આવ્યો મેદાનમાં, કેન્ડલ માર્ચ કાઢી…