લખપતના જીએમડીસી પાવર સ્ટેશનના ૩૫૦ કામદારને છૂટા કરતા ધમાલ
કારમી મોંઘવારી વચ્ચે કામદારોની હાલત કફોડી બનતાં ધરણા પર ઉતર્યા
ભુજઃ કચ્છના સીમાવર્તી લખપત તાલુકાના નાની છેર ખાતેના જીએમડીસી ()ના પાવર સ્ટેશનના ૩૫૦થી વધુ કામદારોને અચાનક છુટા કરી દેવાતાં રોષે ભરાયેલા કામદારો ધરણા પર ઉતર્યા છે.
લખપત તાલુકાના ગુજરાત ખનીજ વિકાસ નિગમ જીએમડીસી ખાતે પેટા કોન્ટ્રાક્ટરે કામદારોને જાણ કર્યા વિના અચાનક છૂટા કરાતાં કોરિયાણી, કપુરાશી, નાની-મોટી છેર, સોનલનગર સહિત પાંચેક ગામના કામદારો અને તેમના ગરીબ પરિવારોની પરિસ્થિતિ કફોડી બની રહી છે.
આ અંગે કામદારોએ સ્થાનિકે પૂછા કરતાં હાલ પ્લાન્ટ નંબર ૨ બંધ હોવાથી એમને છૂટા કરાયા હોવાનો જવાબ મળ્યો હતો. કામદારોને જયાં સુધી પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવાની કામદારોએ ચીમકી ઉચારી છે.
આપણ વાંચો: કચ્છના ભવ્ય ને કલાત્મક વારસો ધરાવતા જૈન પંચતીર્થ
એમડીસીની વડી કચેરી દ્વારા કામદારો દ્વારા લેખિત-મૌખિક રજૂઆત કરાઇ હોવા છતાં નિરાકરણ આવ્યું નથી.
વડા પ્રધાનના ૭૪માં જન્મદિવસની ઉજવણીના ક્રાયક્રમોમાં વ્યસ્ત એવા કોઈ અધિકારી ગરીબ કામદારોના ખબર-અંતર પૂછવા પણ આવ્યા નથી. છેલ્લા બે દાયકાથી નોકરી કરતા કામદારોને અચાનક છુટા કરાતાં કારમી મોંઘવારી વચ્ચે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.
નાની છેર સરપંચ બળુભા સોઢા, કપુરાશી સરપંચના પ્રતિનિધિ રમેશ રાજગોર, સામાજિક કાર્યકર હરેશ રાજગોર, કોરિયાણી ઉપસરપંચ રાણુભા સોઢા, વિક્રમસિંહ હઠુભા સહિતનાઓએ છૂટા કરાયેલા કામદારોને ફરી નોકરીએ રાખવા માંગ કરી છે.