ભુજના તબીબે ડેન્ગ્યુના મચ્છર ભગાડવા શરૂ કર્યું અભિયાન, લોકોએ પણ આપ્યો પ્રતિસાદ...
કચ્છ

ભુજના તબીબે ડેન્ગ્યુના મચ્છર ભગાડવા શરૂ કર્યું અભિયાન, લોકોએ પણ આપ્યો પ્રતિસાદ…

ભુજઃ વરસાદી વાતાવરણને પગલે સમગ્ર રાજ્યની સાથે સાથે કચ્છમાં પણ ઋતુજન્ય બીમારીઓ ઉપરાંત જીવલેણ ડેન્ગ્યુ ફિવરનો રોગચાળો પણ માથું ઊંચકી રહ્યો છે. આ બીમારી લોકોની દિવાળી બગાડવા સજ્જ બની છે, ત્યારે ભુજના એક બાળરોગ નિષ્ણાતે ડેન્ગ્યુ સામે બાથ ભીડવા ખાસ કરીને શાળાના બાળકો અને નાગરિકોને સચેત કરવા એક નવતર પ્રકારનો અભિગમ અપનાવ્યો છે. આ તબીબ ઠેરઠેર ફરીને શાળાઓ, શેરી-મહોલ્લાઓ અને સાર્વજનિક કાર્યક્રમોમાં ડેન્ગ્યુના મચ્છરોને ‘દેખો ત્યાં ઠાર કરો’ ના સૂત્રો સાથે ઘૂમી રહ્યા છે.

મચ્છરોના પોરાં નાબૂદ કરવાના અનેક પ્રયાસો

ભુજ-કચ્છના જાણીતા બાળરોગ નિષ્ણાત ડૉ. નેહલ દિલીપરાય વૈદ્ય વહેલી સવારે તેમજ તેમને જયારે સમય મળે ત્યારે ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં ઠેર-ઠેર ઘુમીને મચ્છરોના પોરાં નાબૂદ કરવાના પ્રયાસો કરે છે. તેમને આવું કરતા જોઈ આસપાસના લોકો પણ તેમની મદદે આવતા થયા છે. ડૉ.નેહલ વૈદ્ય જુદી જુદી શાળાઓમાં જઈને બાળકોને ડેન્ગ્યુના મચ્છરો જેમાંથી ઉત્પન્ન થાય છે તે મચ્છરના પોરાંને કાચની શીશીઓમાં ભરી ભરીને બતાવે છે અને તેનો નાશ કઈ રીતે કરાય તેની સમજ બાળકોને આપે છે. મચ્છરોના પોરાંનો જો તાત્કાલિક નિકાલ કરી દેવામાં આવે તો ડેન્ગ્યુ થવાનો પ્રશ્ન જ ના રહે તેની સમજ આપવાનો પ્રયાસ કરે છે.

ડેન્ગ્યુના મચ્છરો વિશે ડૉ.નેહલ વૈદ્યે ખાસ વાત કરી

ડૉ.નેહલ વૈદ્યના જણાવ્યા પ્રમાણે ડેન્ગ્યુના મચ્છરો લારવા મૂકે ત્યાર બાદ આઠ દિવસમાં આ લારવામાંથી મચ્છર ઉત્પન્ન થાય છે, પરંતુ આ લારવાને આઠ દિવસની અંદર જો નિકાલ કરી દેવામાં આવે તો પોરાંમાંથી મચ્છરો પેદા થઇ શકતા નથી. જે જે વિસ્તારોમાં ચોખ્ખુ પાણી એકઠું થાય છે તેવા વિસ્તારોમાં ડેન્ગ્યુના મચ્છરો વધારે પ્રમાણમાં જોવા મળે છે. ભુજનું નિરીક્ષણ કરતાં પશુ-પક્ષીઓના પાણી માટે વ્યવસ્થા કરવા મુકવામાં આવતી પાણીની કુંડીઓમાં મોટી સંખ્યામાં ડેન્ગ્યુના મચ્છરોના લારવા જોવા મળ્યા હતા.

મચ્છર કેવી રીતે ઉત્પન્ન થાય છે?

ખાસ કરીને વાત કરવામાં આવે તો, કુંડાઓ, જુના વાસણો, ડબ્બા,ટાયર, એર કુલર, ફ્રિજની ટ્રે અને ફેંકી દેવાયેલા લીલા નાળિયરમાં મચ્છરોના લારવા ઉત્પન્ન થાય છે, જેથી જો તેનો સમયસર યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તો પણ ડેન્ગ્યુની બીમારી ફેલાવાનો ભય ઓછો થઇ જાય છે. ડૉ.નેહલ વૈદ્યે આ માટે ભુજના ખેંગાર બાગથી શહેરના પાંચ નાકા અને છઠ્ઠી બારી સુધીના તમામ વિસ્તારોમાં તેમની સાયકલ પર ઘૂમી વળ્યાં હતા અને લોકોને ડેન્ગ્યુના મચ્છરોને દેખો ત્યાં ઠાર કરોના સૂત્ર સાથે સમજ આપીને સામાજિક જાગૃતિ લાવવા પ્રયાસો કરી રહ્યાં છે.

આ પણ વાંચો…ડેન્ગ્યુ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button